- રાજકોટ જિલ્લાના 74 ગામમાં 100 ટકા વેક્સિનેશન
- કોરોના સંક્રમણથી બચવા વેક્સિન જરૂરી
- લોકોની સતર્કતા અન્ય લોકો માટે બની પ્રેરણારૂપ
રાજકોટ : ગુજરાતમાં લગભગ અડધાથી વધારે લોકોએ વેક્સિન લઈ લીધી છે. રાજ્યમાં લોકો કોરોનાને ગંભીર સમસ્યા સમજીને જાગૃતતા દાખવી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલા 74 ગામમાં તો 100 ટકા વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના પ્રતિરોધક રસી માટે વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ 11,64,376 લોકો રસીકરણ માટે પાત્રતા ધરાવે છે. જેમાં પ્રથમ ડોઝ ફ્રન્ટ લાઇન વર્કર 20132, હેલ્થ વર્કર 11698, તેમજ 18 થી 44 વર્ષના 4,55,52૩ તથા 45 થી 60 વર્ષના 2,31,538 અને 60 વર્ષથી ઉપરના 1,50,૦5૦ મળી કુલ 8,68,941 લોકોને આપવામાં આવતા 74 ટકા સિધ્ધી હાંસલ થઇ છે. આ ઉપરાંત 2,32,942 લોકોને બીજો ડોઝ પણ અપાઇ ગયો છે.
રાજકોટ જિલ્લાના વ્યાપારી-ઔદ્યોગિક વિસ્તારોમાં કેમ્પ કરીને પણ વેક્સિનેશન કરવામાં આવેલ છે. જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોરોના વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે.
કોરોના વાયરસના સંક્રમણથી સામાન્ય જનતાને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તથા રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને બને એટલા ટૂંક સમયમાં વેક્સિન આપવામાં આવી રહી છે જેથી કરીને કોરોનાવાયરસની ત્રીજી લહેર વિશે જે રીતે આગાહી કરવામાં આવી છે તેને રોકી શકાય. ત્રીજી લહેરને લઈને જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેર આવી શકે છે જો લોકો દ્વારા તકેદારી રાખવામાં આવશે નહીં તો.