રાજકોટમાં ઈશ્વરીયા પાર્કને થોડા સમય માટે કરવામાં આવ્યો બંધ, કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
- ઈશ્વરીયા પાર્ક થોડા દિવસ રહેશે બંધ
- કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
- 1 સપ્ટેમ્બર 2021 સુધી રહેશે બંધ
રાજકોટ : ઈશ્વરીયા પાર્કના મેનેજરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટના તારીખ 17 ઓગસ્ટ 2021 ના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે WHO દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ઉપરોક્ત જાહેરનામાથી મળેલ સૂચનાઓ અન્વયે તકેદારીના પગલારૂપે વધારે સંખ્યામાં વ્યક્તિઓને એકત્રિત થવાની મનાઇ ફરમાવેલ છે.
રાજકોટમાં આવેલ ઇશ્વરિયા પાર્કમાં સહેલાણીઓ દ્વારા ખૂબ જ વધુ માત્રામાં મુલાકાત લેવાતી હોય જેને ધ્યાને લઇ કોરોનાની મહામારી વધુ ન ફેલાય તે માટે તારીખ 28મી ઓગસ્ટથી તારીખ 1 સપ્ટેમ્બર 2૦21 સુધી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન જાહેર હિતાર્થે ઈશ્વરીયા પાર્ક સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવનાર છે. જેની તમામ સહેલાણીઓને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.
છેલ્લા 2-3 દિવસથી કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે, આંકડો નોંધપાત્ર રીતે વધતા લોકો અગાઉથી સતર્ક થયા છે. કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર પર સતર્ક છે અને યોગ્ય પગલા પણ લઈ રહી છે.
જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર આવી નથી, હજુ પણ બીજી લહેર ચાલી રહી છે પરંતુ જો ત્રીજી લહેર આવશે તો મોટા પ્રમાણમાં નુક્સાન થવાની સંભાવના છે, તેથી લોકોએ સતર્ક રહેવું જોઈએ.