વરસાદ ખેંચાતા ઊભો પાક મરઝાઈ રહ્યો છે, સિંચાઈ માટે કેનાલોમાં પાણી અને વીજળી આપોઃ કોંગ્રેસ
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની અડધી સીઝન વીતી ગઈ હોવા છતાં ખૂબ જ અપૂરતો વરસાદ અને કેટલાક વિસ્તારોમાં નહિવત વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતોનો ઊભો પાક મુરઝાઈ રહ્યો છે અને જ્યાં પાણી છે, ત્યાં વીજળીને અભાવે સિંચાઈ થઈ શકતી નથી. જેના કારણે ખેડૂતોનું મોંઘા ભાવનું બિયાંરણ નિષ્ફળ ગયું છે અને ખાતર તથા દવાનો ખર્ચ માથે પડ્યો છે. આ સંજોગોમાં ખેડૂતોના મુરઝાઈ રહેલા ઊભા પાકનો તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનીનું 100 ટકા વળતર આપવાની માગ સાથે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સાથોસાથ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને મદદ અને સહાય જાહેર કરવા માગણી કરી છે.
ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા ધાનાણીએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિને ગંભીર ગણાવીને એવી રજુઆત કરી હતી કે, રાજ્યની પ્રજા કોરોના, તૌકતે વાવાઝોડાની કુદરતી આપત્તિ બાદ હવે અનાવૃષ્ટિની કુદરતી આપત્તિનો સામનો કરી રહી છે તેવા સમયે રાજ્ય સરકારે ખાસ કરીને ખેડૂતો, પશુપાલકોની વ્હારે આવી, અનાવૃષ્ટિની કુદરતી આપત્તિથી બચાવવા માટે અછત મેન્યુઅલની જોગવાઈ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જોગવાઈ મુજબની વ્યવસ્થા તાત્કાલિક કરવી જરૂરી છે. આ વરસે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખૂબ જ ઓછો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે ખેડૂતોના ઉભા પાક અને બાગાયતી પાકો સંપૂર્ણ નાશ પામ્યા હતા. વાવાઝોડાંને કારણે આજે પણ અનેક જિલ્લામાં ખેતી માટેનો વીજ પુરવઠો ઠપ છે. ચોમાસાની અડધી સીઝન બાદ પણ પૂરતો વરસાદ થયો નથી. જે ખેડૂતોના કૂવામાં પાણી છે ત્યાં વીજળીને અભાવે સિંચાઈ થઈ શકે તેમ નથી. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદને પગલે ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદીને વાવેતર કર્યું હતું, પરંતુ હવે તેમની હાલત પડતા ઉપર પાટુ જેવી થઈ છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવી માગણી કરી હતી કે, કૂવામાં પાણીના તળ ઊંડા છે તેવા ખેડૂતોને સતત 14 કલાક વીજળી આપવી જોઈએ. ઊભા પાકનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીનું 100 ટકા વળતર ચૂકવવું જોઈએ. વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેતવિષયક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવો જોઈએ. પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈ.પાણીની મુશ્કેલી હોય ત્યાં યોગ્ય વ્યવસ્થા નાગરિકો અને પશુઓ માટે પીવાના પાણીની કરવી જોઈએ.