પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ વધુ એક મંદિરને બનાવ્યું નિશાનઃ ભગવાનની મૂર્તિ કરી ખંડિત
દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચાર અને ધાર્મિક સ્થળો ઉપર તોડફોડની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનમાં હિન્દુઓ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી રહ્યાં હતા દરમિયાન સિંઘ પ્રાંતના સંધાર જિલ્લામાં કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. તેમજ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ પણ ખંડીત કરી હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય લાલ મલ્હીને ટ્વીટ કરીને મંદિરને અપવિત્ર કરવાની મૂર્તિ ખંડિત કરવાની ઘટનાની નિંદા કરી છે.
તેમણે માનવાધિકાર મંત્રી શિરીન મજારીને ટેગ કરીને કહ્યું છે કે, ખિપ્રો-સિંધમાં મંદિરને અપવિત્ર કરવાની ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ ખંડીત કરવાની ઘટનાની નિંદા કરું છે. કાનૂન લાગુ કરનારાઓએ મંદિરો અને દેવી-દેવાઓની મૂર્તિઓ ઉપર વારંવાર થતા હુમલાઓ અટકાવવા માટે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. પાકિસ્તાની એક્ટિવિસ્ટ રાહત ઓસ્ટિને ટ્વીટ કર્યું છે કે, જ્યારે લોકો કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ઉજવણી રહ્યાં હતા. ત્યારે હિન્દુ દેવી-દેવતાઓના અપમાનના ઈરાદે ખિપ્રોસંધરમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં ઈસ્લામ વિરોધ બોલનારા સામે ઈશનિંદના ખોટો કેસ અને મોબ લિંચિગમાં મોતની સજા થાય છે. પરંતુ બિન-મુસ્લિમોના દેવી-દેવતા મુદ્દે કોઈ અપરાધ કે સજા નથી. મંદિરમાં તોડફોડના ફોટા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જ પંજાબ પ્રાંતમાં રહીમયાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના ઘેરાપ્રત્યાઘાત પણ પડ્યાં હતા. પોલીસે આ બનાવમાં કેટલાક કટ્ટરપંથીઓની ધરપકડ પણ કરી હતી. જો કે, કટ્ટરપંથીઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં થતી હોવાથી તેમનો આત્મવિશ્વાસ વધતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
(Photo-File)