મુંબઈમાં કોરોનાનો ભરડોઃ રસીના બંને ડોઝ લેનારા 7000 લોકો અત્યાર સુધીમાં થયા સંક્રમિત
મુંબઈઃ કોરોનાના વધતા કેસ વચ્ચે મુંબઈમાં કોરોનાને લઈને ચોંકાવનારા ખુલાસા થયો છે. મુંબઈમાં કોરોના રસીના બંને ડોઝ લીધા બાદ પણ કેટલાક લોકો સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવ્યું છે. જો કે, રાહતની વાત એ છે, આ સંક્રમિતમાંથી કોઈનું મોત થયું નથી. બીએમસી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાની રસીના બંને ડોઝ લઈ ચુકેલા લગભગ સાત હજાર લોકો સંક્રમિત થયા હતા. જો કે, રાહતની વાત એ છે કે, આમાંથી કોઈનું મોત થયું નથી.
તાજેતરમાં મુંબઈમાં 26 વર્ષિય યુવાન અને તેના પરિવારજનોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવા છતા સંક્રમિત થયાનું સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. બીએમસીના આરોગ્ય વિભાગ દ્રારા કોરોના સંક્રમિત લોકોની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.
બીએમસીના કાર્યકારી આરોગ્ય અધિકારી ડો, મંગલા ગોમારેએ જણાવ્યું હતું કે, મુંબઈમાં પ્રત્યેક વોર્ડ વોર રૂમમાં કોરોના સંક્રમિત થયેલા દર્દીઓના ડેટા એકત્ર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. અત્યાર સુધી મળેલા આંકડા અનુસાર કોરોનાના બંને ડોઝ લઈ ચુકેલા સાત હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી કેટલાકમાં સામાન્ય અને કેટલાકમાં મધ્યમ લક્ષણો જોવા મળ્યાં હતા. જ્યારે કેટલાક એવા પણ દર્દી હતી કે જેમને આઈસીયુની જરૂર પડી હોય, જે લોકોને આઈસીયુની જરૂર પડી છે તેઓ અન્ય બીમારીથી પણ પીડિત હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે, એક ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થનારા વ્યક્તિઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા કોરોના દર્દીઓની હિસ્ટ્રી તપાસમાં આવી રહી છે. રાહતની વાત એ છે કે, બંને ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થનારા એક પણ દર્દીનું મોત થયું નથી. ડેટા એકત્ર કરવાની કામગીરી હજુ ચાલુ જ રહેશે. અત્યાર સુધીમાં સંક્રમિત થનારાઓ પૈકી 45 વર્ષથી વધીની ઉંમરના લોકો વધારે છે.
(Photo-File)