- ટેલિગ્રામ એપની લોકપ્રિયતામાં ઉછાળો
- 1 અબજ વખત ડાઉનલોડ થઇ ટેલિગ્રામ એપ
- ટેલિગ્રામના કુલ ઇન્સ્ટોલ્સ 22 ટકા થયા છે
નવી દિલ્હી: વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ પણ યૂઝર્સમાં ધીરે ધીરે લોકપ્રિય થઇ રહી છે. ટેલિગ્રામ એપ દ્વારા ઝડપ તેમજ સુરક્ષા બંનેનું ધ્યાન રાખવામાં આવે છે. હાલમાં તો એપની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે. વૈશ્વિક કક્ષાએ આ એપ્લિકેશન 1 અબજ વખત ડાઉનલોડ થઇ હોવાનું જાણવા મળ્યું છે.
સુરક્ષાને પ્રાથમિકતા આપતી ટેલિગ્રામ ક્લાઉડ આધારિત સર્વિસ છે. તેમાં વોટ્સએપની જેમ જ ગ્રૂપ બનાવવાની પણ સુવિધા છે. આ સિવાય તેમાં ચેનલ્સ પણ બનાવી શકાય છે. જે આજે શિક્ષણનો મોટો સ્ત્રોત બની રહ્યું છે.
વર્તમાન સમયે ઈન્ટરનેટ બાબતે ભારત સૌથી ઝડપથી વિકસતા માર્કેટ પૈકીનું છે. ભારતીય બજારને કબ્જે કરવા માટે Telegram દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. Telegram સમયાંતરે નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. આ ફીચર્સ તેને વોટ્સએપ કે અન્ય હરીફ મેસેજિંગ એપ કરતા વધુ આકર્ષક બનાવે છે.
ટેલિગ્રામ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. જ્યાં ટેલિગ્રામના કુલ ઇન્સ્ટોલ્સ 22 ટકા થયા છે. ત્યારબાદ 10 ટકા સાથે રશિયા બીજા નંબરે છે. જ્યારે 8 ટકા સાથે ઇન્ડોનેશિયા ત્રીજા નંબરે આવે છે.
Telegram વૈશ્વિક સ્તરે 1 અબજ ડાઉનલોડ સુધી પહોંચ્યું હોવા છતાં તેનો અર્થ એ નથી કે, તેના 1 અબજથી વધુ એક્ટિવ યુઝર્સ છે. Telegramમાં આ વર્ષની શરૂઆતમાં આશરે 500 મિલિયન મંથલી એક્ટિવ યુઝર્સ હતા. જોકે, વ્હોટ્સએપ તેની અપડેટ કરેલી ટર્મ એન્ડ કન્ડિશન બાબતે કેટલાક વિવાદોમાં ફસાઈ ગયા પછી Telegramના યુઝર્સમાં વધારો થયો છે. 2021ના પ્રથમ ભાગમાં ટેલિગ્રામના 214.7 મિલિયન ઈન્સ્ટોલ થયા હતા. જે ગત વર્ષની સરખામણીએ 61 ટકા વધુ હતા.
ટેલિગ્રામમાં ગ્રુપ વિડીયો કોલ્સ, સ્ક્રીન શેરિંગ અને એનિમેટેડ બેકગ્રાઉન્ડને સપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. માર્ચમાં ક્લબહાઉસ ટ્રેન્ડને અનુસરીને Telegramએ વોઈસ ચેટ્સ સર્વિસ ઉમેરી હતી.
નોંધનીય છેકે, 1 અબજથી વધુ વખત ડાઉનલોડ થઈ હોય તેવી એપ્સમાં Telegramનો ક્રમ 15મો છે. વ્હોટ્સએપ, મેસેન્જર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, જેવી એપ્લિકેશન આ યાદીમાં છે.