ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસઃ કેપ્ટન વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યો આશિષ નહેરા
દિલ્હીઃ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાનો ત્રીજી ટેસ્ટ મેચમાં પરાજય થતા કેટલાક લોકો કેપ્ટન વિરાટ કોહલીની ટીકા કરી રહ્યાં છે. જો કે, ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નહેરાનું માનવું છે, વિરાટ કોહલી જલ્દી જ મોટો સ્ટોર બનાવશે. તેમણે ઈંગ્લેન્ડના બોલરોના વિરાટને મોટો સ્કોર અટકાવવા બદલ વખાણ કર્યાં છે. વિરાટનું સમર્થન કરતા કહ્યું કે, તેમણે રાતોરાત બદલાવવાની જરૂર નથી. તેની ટેકનીકમાં કોઈ ખામી નથી. પરંતુ સતત સ્ટમ્પથી બહાર થતા બોલમાં જ તેઓ આઉટ થાય છે.
એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, વિરાટ કોહલી એવા ખેલાડી છે જે પોતાની રમત જાણે છે. એટલે જ આજે તેઓ અહીં છે. તેઓ તમામ પરિસ્થિતિઓમાં સફળ રહ્યાં છે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિની વાત કરીએ તો દરેક જાણે છે કે અહીં ક્રિકેટ રમવુ સરળ નથી હોય, એ ધ્યાન રાખવા જેવી વાત છે કે, તેઓ દરેક વખતે ડ્રાઈવ કરતા આઉટ નથી થતા. કેટલીક વાર ડિફેન્સ કરતી વખતે પણ આઉટ થયાં છે. એટલે એવું નથી કે તેઓ જબરદસ્તીથી ડ્રાઈવ રમે છે. મને નથી લાગતું કે, વિરાટ કોહલીએ રાતો-રાત પોતાની ટેકનિક બદલવાની જરૂર છે.
ટીન ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજય થયો હતો. બીજી તરફ કેપ્ટન વિરાટ કોહલીના બેટમાંથી રન નહીં બનતા હોવાથી અનેક પૂર્વ ક્રિકેટરો તેમની ટીકા કરી રહ્યાં છે. હવે આગામી દિવસોમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ રમાશે. હાલ બંને ટીમ એક-એક ટેસ્ટ જીતી છે.
(Photo-File)