ગુજરાતમાં 114 એપીએમસી નવા કાયદાના લીધે બંધ થશેઃ કોંગ્રેસ કિસાન સેલ
અમદાવાદઃ નવા કૃષિ કાયદાના અમલ બાદ રાજ્યની 15 એપીએમસીને તાળાં લાગી ગયા છે. અને ટૂંક સમયમાં 114 એપીએમસી બંધ થઇ જાય તેવી નોબત ઊભી થઇ છે. કૃષિ કાયદાની આડઅસર ગુજરાતની 224 એપીએમસીમાં વર્તાઇ રહી છે. આ ઉપરાંત કેટલીક એપીએમસીની આવક સદંતર બંધ થઇ જતાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફાં પડી રહ્યા છે.
નવો કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ખેડૂતો હજુ પણ દિલ્લી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ અંગે કૉંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ કૃષિ કાયદાને કાળા કાયદા ગણાવ્યા હતા. પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો કે કાળા કાયદાને કારણે આજે 15 એપીએમસી બંધ થઈ ગયા છે. તો બીજી તરફ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ કૃષિ કાયદાના કારણે એપીએમસી બંધ થયાની વાતને રદિયો આપ્યો હતો. દિલીપ સખિયાનું કહેવું હતું કે, જે બંધ થયા તે એપીએમસી હતા જ નહીં. તો બીજી તરફ સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે કૃષિ કાયદાને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવ્યા. જયેશ પટેલે કહ્યું કે- જે રીતે ભારત સરકાર દ્વારા જે કૃષિ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે તેના કારણે ખેડૂતોને ફાયદો થયો છે. એક દેશ એક માર્કેટના અભિગમથી ખેડૂતોને આખા દેશના બજારની ખબર પડવા લાગી છે.
રાજ્ય અને દેશમાં જ્યાં સારા ભાવ મળતા હોય ત્યાં જઈને ખેડૂતો પોતાનો પાક વેચી રહ્યા છે. સરકારે માર્કેટમાં સેસ બંધ કર્યો હોવાનો સીધો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે. સુરત એપીએમસી સમગ્ર મહારાષ્ટ્ર અને દેશમાંથી શાકભાજી વેચવા ખેડૂતો આવે છે. તેજ રીતે ઊંઝામાં પણ સમગ્ર દેશમાં કઠોળ અને અન્ય પેદાશો ખેડૂતો વેચવા આવે છે.