કંગાળ ફોર્મને કારણે કેપ્ટન કોહલી ICC રેન્કિંગમાં પાછળ જ્યારે રોહિત શર્મા હવે ટોપ પાંચમાં સામેલ
- વિરાટ કોહલીના કંગાળ ફોર્મથી ICC રેન્કિંગમાં તે પાછળ ખસ્યો
- હવે તે 766 પોઇન્ટ્સ સાથે યાદીમાં છઠ્ઠા ક્રમાંકે
- જ્યારે રોહિત શર્મા ટોપ પાંચમાં સામેલ
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ માટે મિડલ ઓર્ડરના બેટ્સમેનોનું સતત કળથતું ફોર્મ હવે ચિંતાનો વિષય બની રહ્યું છે. વિરાટ કોહલીનું પ્રદર્શન પણ નબળુ જોવા મળી રહ્યું છે.
કેપ્ટન વિરાટ કોહલી સહિતનાં મિડલ ઓર્ડર બેટ્સમેનો ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. હવે તેની અસર ICC રેન્કિંગમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી સતત ખરાબ પ્રદર્શનને કારણે વિરાટ કોહલી રેન્કિંગમાં પાછળ ખસી રહ્યો છે.
તેની સામે ઑપનર રોહિત શર્મા તેના નિયમત અને સાતત્યપૂર્ણ પ્રદર્શનનાં કારણે રેન્કિંગમાં આગેકૂચ કરી રહ્યો છે. રોહિત હવે ટોપ 5 બેટ્સમેનમાં સામેલ થઇ ચૂક્યો છે. હવે રોહિત ICC ટેસ્ટ રેન્કિંગમાં પાંચમાં ક્રમે આવી ગયો છે અને વિરાટ પાંચમાંથી બહાર નીકળીને છઠ્ઠા ક્રમે આવી ગયો છે.
ઇંગ્લેન્ડમાં રમાયેલી ત્રણ ટેસ્ટની છેલ્લી પાંચ ઇનિંગ્સમાં કેપ્ટન કોહલી માત્ર એક જ અર્ધી સદી ફટકારી શક્યો હતો. જેના કારણે કોહલીને નવ પોઇન્ટ્સનું નુકસાન થયું છે અને હવે તે 766 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયો છે.
બીજી તરફ ઇંગ્લેન્ડમાં ઑપનર રોહિત શર્માનું ફોર્મ દમદાર રહેતા તે 773 પોઇન્ટ્સ સાથે આ યાદીમાં પાંચમાં ક્રમે આવી ગયો છે. જ્યારે રોહિતે બે વર્ષ પહેલા ટેસ્ટમાં ઑપનિંગ શરૂ કર્યું ત્યારે તે 53 પર હતો. બે જ વર્ષમાં રોહિત ટોપ 5 બેટ્સમેનોમાં સ્થાન મેળવી ચૂક્યો છે.
રિષભ પંત પણ આઠમાંથી 12માં ક્રમાંકે પહોંચી ગયો હતો. ઇંગ્લેન્ડમાં કંગાળ પ્રદર્શન બાદ ભારતના મિડલ તેમજ લોઅર ઑર્ડરના બેટ્સમેનોના રેન્કિંગમાં ફેરફાર થયો હતો.
યાદીમાં ટોચના ક્રમાંકે હાલ ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ છે. 6 વર્ષ બાદ તે ફરી ટોચના ક્રમાંકે છે. આ જ વર્ષની શરૂઆતમાં જો રૂટ બેટ્સમેનોનાં રેન્કિંગમાં નવમાં ક્રમાંકે હતો અને હવે તેણે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પાછળ છોડી દીધો છે.