સાબરમતી, તાપી અને મંડોલા નદીને પ્રદુષણમુક્ત કરવા ખર્ચાયેલા કરોડો રૂપિયા ગયા પાણીમાં
અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા દૂષિત કેમિકલ ઠલવાતું હોવાના મુદ્દે હાઇકોર્ટ દ્વારા સત્તાવાળાઓનો કાન આમળવામાં આવ્યો હતો. સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ છે તે વાત પણ સાબિત થઇ ગઇ છે. જો કે વાસ્તવિકતા એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની સાબરમતી, તાપી અને મિંડોલા નદીને સ્વચ્છ કરવાના પ્રોજેક્ટ હેઠળ કુલ -259.14 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જો તે પૂર્ણ રીતે વપરાયા હોય તો નદીની પાણીની ગુણવત્તા, અમદાવાદથી આગળના ગામડાઓમાં કાંઠા વિસ્તારમાં જળ-જમીનમાં વધતા પ્રદૂષણને જોતા તે રકમ પાણીમાં ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની સાબરમતી નદીમાં ઠલવાતું દૂષિત કેમિકલયુક્ત પાણી બંધ ન થતું હોય કે યોગ્ય માત્રામાં ન હોય તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડથી લઇને રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જવાબદાર ઔદ્યોગિક એકમો-ટ્રિટમેન્ટ પ્લાન્ટના કર્તાહર્તાઓ વિગેરે સંયુક્ત રીતે જવાબદાર હોવાની બાબત સ્પષ્ટ છે. આવા પ્રદૂષિત પાણીના કારણે અનેક ગામના પાણી પીવાલાયક રહ્યા નથી. તેમજ અનેક ગામની જમીનમાંથી ઉગતા અનાજની ગુણવત્તા કથળી ગઇ છે તેમ છતાં વર્ષોથી સમસ્યા યથાવત છે. જુલાઇ-2021માં લોકસભામાં નદીઓમાં પ્રદૂષણના મુદ્દે અપાયેલા જળશક્તિ મંત્રાલય તરફથી અપાયેલા જવાબમાં જણાવાયું છે કે ગુજરાતની સાબરમતી, મિંડોળા અને તાપી નદીને ક્લિન કરવાના રાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ 2015-16માં 24.12 કરોડ રૂપિયા, 2016-17માં 71.40 કરોડ, 2017-18માં 62 કરોડ, 2018-19માં 63 કરોડ રૂપિયાનું ફંડ રાજ્ય સરકાર માટે રીલીઝ કરાયું હતું. તે ઉપરાંત 2019-20માં પણ 38.62 કરોડ રૂપિયા ફાળવાયા હોવાની જાણકારી મળી છે.
સૂત્રોના કહેવા મુજબ જો આટલી જંગી રકમનો ખર્ચ થયો હોય તો તે કઇ નદી માટે કયા વિસ્તારમાં પ્રદૂષણ દૂર કરવા ખર્ચાયા, તે અંતર્ગત કયા કામ કરાયા, તેનાથી સાબરમતી નદીમાં કેટલું પ્રદૂષણ ઘટ્યું તેની વિગતો રાજ્ય સરકારે જાહેર કરવી જોઇએ. એટલું જ નહીં જે વિસ્તારો અમદાવાદમાં સાબરમતી નદી પછીના છે તેમાં દૂષિત કેમિકલ ઠલવાતું હોય તો કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાની રકમનો ઉપયોગ તે કેમિકલ ઠાલવવાનું કાયમ માટે બંધ થાય તેમાં કરાયો હતો કે નહીં તેનો પણ જવાબ સત્તાવાળાઓએ આપવો જોઇએ. કેન્દ્ર સરકારના ફંડનો તે હેતુ માટે ઉપયોગ પછી તેના પરિણામની વિગતોની માહિતી પણ જાહેર કરવી જોઇએ. કેગના અહેવાલમાં સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા ઉપર ભૂતકાળમાં સવાલો ઉઠાવેલા છે તેમાં ખરેખર કેટલો ફેરફાર થયો તે પણ પ્રશ્ન છે.