અમદાવાદઃ રાજ્યનો આરોગ્ય વિભાગ એટલો મોટો છે કે, રાજ્યનો એકપણ નાગરિક એવો નહી હોય કે સરકારી આરોગ્ય સેવાનો લાભ લીધો ન હોય એનું ઉત્તમ ઉદાહરણ કોરોનાના કપરા કાળમાં આરોગ્ય કર્મીઓએ કરેલું વેકસીનેશન છે. તેમ ગાંધીનગર ખાતે PMJAY માં યોજનાના ૧૦ મા વર્ષમાં પ્રવેશ અંગે યોજાયેલા સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
દેશભરના ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સુવિધા માટે દેશભરમાં PMJAY યોજના કાર્યાન્વિત કરી છે ભૂતકાળની સરકારમાં આવા પરિવારોને સારવાર માટે દેવુ કરીને સારવાર મેળવવી પડતી હતી અને પરિવાર દેવાના ડુંગરમાં આવી જતો હતો તે વેળાએ નરેન્દ્ર મોદીએ આ યોજના અમલી બનાવી હતી અને આ યોજનાને નવ વર્ષ પૂર્ણ થયા છે. શરૂઆતમાં બી.પી.એલ. પરિવારોને લાભ અપાતો હતો અને તેની સફળતાને ધ્યાને લઇને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોજનાનો વ્યાપ વધારી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને આવરી લીધા છે અને સારવારમાં પણ ૨૭૦૦ જેટલી બીમારીઓ ઉમેરીને સાચા અર્થમાં આવા પરિવારોના હમદર્દ બનવાનો પ્રયાસ કર્યો છે. PMJAY યોજના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિમા કંપનીઓ પાસે એમ.ઓ.યુ. કરીને રૂા. 1400 કરોડથી વધુ રકમનું પ્રીમીયમ નાગરિકો વતી રાજ્ય સરકાર ભરે છે. આ યોજનામાં બાળસખા અને ચિરંજીવી યોજનાને પણ સમાવી લઇને લાભો પૂરા પાડવામાં આવી રહ્યા છે.
રાજયમાં “પી.એમ.જે.એ.વાય – મા” યોજના અંતર્ગત 35 લાખથી વધુ દર્દીઓએ લાભ લીધો છે જેની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજય અને કેન્દ્ર સરકારે ઉપાડીને ૩૫ લાખ દર્દીઓ માટે રૂ. 5222 કરોડની માતબર રકમનો ખર્ચ કરી ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને લાભ આપવામા આવ્યો છે. આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને 1802 સરકારી અને 606 ખાનગી એમ મળી કુલ 2478 હોસ્પિટલોમાં કેન્સર, હૃદયરોગ, કિડની જેવા ગંભીર રોગો તથા ઓર્થોપેડિક સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ન્યુરોસર્જરી, ડાયાલિસિસ વગેરે જેવી અનેક પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.