અમદાવાદઃ શહેરમાં દબાણો વધતા જાય છે. એએમસીના અધિકારીઓની ઢિલી નીતિને કારણે દબાણો અને ગેરકાયદે બાંધકામો વધી રહ્યાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ રહેમનજર હેઠળ અનેક ગેરકાયદેસર બાંધકામ બની જાય છે. ત્રણ-ત્રણ નોટિસ આપવામાં આવે છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવતા નથી. શહેરમાં મધ્ય ઝોનમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ હોય તેને તોડવા માટે કમિટીમાં ચર્ચા થયા બાદ બે દિવસથી ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે જી ક્લબ લેડીઝ ક્લોથ શોપની સામે ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર સુધીનું 1064 ચોરસ ફૂટ જગ્યાનું ગેરકાયદેસર બાંધકામ તોડી દૂર કરવામાં આવ્યું હતું. કાલુપુર ધારિયાની પોળ સાંઈબાબા કોમ્પ્લેક્ષની જગ્યાએ ગેરકાયદેસર સેલર, ગ્રાઉન્ડ ફ્લોરથી પાંચ માળ તેમજ સ્ટેર કેબિન સુધી 3230 ચોરસ ફૂટ જગ્યાનું બની ગયું હતું. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નોટિસ આપી ત્રણ વાર સીલ કરવામાં આવ્યું હતું. છતાં સીલ તોડી વપરાશ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જે મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. આજે એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે આ બાંધકામ દૂર કર્યું હતું. શહેરમાં મધ્ય ઝોનમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ હોય તેને તોડવા માટે કમિટીમાં ચર્ચા થયા બાદ બે દિવસથી ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરના અન્ય ઝોનમાં પણ જે ગેરકાયદે બાંધકામ હોય તેની યાદી બનાવવામાં આવી રહી છે. મ્યુનિના એસ્ટેટ વિભાગ સામે માછલા ધોવાયા બાદ હવે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.