કચ્છના રાપરને રેલવે સેવાથી જોડવા રેલ અધિકારીઓએ સાંસદને સાથે રાખીને કર્યું સ્થળ નિરિક્ષણ
ભૂજઃ કચ્છમાં રાપર રેલવે સેવાથી વંચિત હતું. હવે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યુ છે.ત્યારે રાપરને રેલવે સેવાથી જોડવા માટે ચક્રો ગતિમાન થયા છે. રાપર રેલવે સેવાથી જોડાશે તો આ વિસ્તારના વિકાસને ચાર ચાંદ લાગી જશે. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ રાપરમાં સ્થળ નિરિક્ષણ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં જ્યારે રેલવે નેટવર્ક બિછાવવાની કામગીરી શરૂ થઈ ત્યારે કોઈ પણ કારણોસર રેલવે સેવાથી ન જોડાઈ શકેલા રાપર શહેરને હવે રેલવે સાથે જોડવા માટેનાં ચક્રો ગતિમાન થયાં છે.આ અંગે કચ્છના સાંસદના પ્રયાસ બાદ આજે રેલવેના અધિકારીઓ રાપરની મુલાકાતે આવ્યા હતા અને સ્ટેશન કયા સ્થળે વિકસાવી શકાય તે માટેની શક્યતાઓ ચકાસી હતી. ધોળાવીરા વિશ્વ ધરોહર જાહેર થયું છે, ત્યારે આ પ્રયાસ કામગીરી વધુ વેગવંતી બને તો પ્રવાસીઓ માટે સાનુકૂળતા રહેશે.
આ અંગે મળતી વિગતો મુજબ, સાંસદ વિનોદભાઈ ચાવડાએ રેલવે વિભાગને રજુઆત કરી હતી જે અંતર્ગત રેલવેના અધિકારીઓ શક્યતા ચકાસવા માટે આવ્યા હતા. તેમની સાથે રાપર શહેર ભાજપની ટીમે સાથે રહીને સ્ટેશન કયાં બની શકે તે માટે વિવિધ સ્થળોની મુલાકાત કરાવી હતી. રેલવેના અધિકારી દ્વારા સૌપ્રથમ સઈ,બાદલપર, કીડિયાનગર, અને છોટાપર સહિતના વિસ્તારોમાં સ્ટેશન બનાવવા માટે શક્યતા ચકાસી હતી. દરમિયાન રાપરથી 14 કિલોમીટર દૂર આવેલાં છોટાપર ગામમાં સ્ટેશન વિકસાવવામાં અનુકૂળતા રહે તેવો મત વ્યક્ત કરાયો હતો.અધિકારી દ્વારા આ અંગેનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ મૂકવામાં આવશે અને બાદમાં અન્ય ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા સર્વે સહિતની કામગીરી કરવામાં આવશે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ ધોળાવીરાને વિશ્વ ધરોહર તરીકે જાહેર કરાયું છે, ત્યારે રાપર શહેરની નજીકમાં જ રેલવે કનેક્ટિવિટી મળે તો ધોળાવીરા સુધી પહોંચવું અનુકૂળ રહેશે. તદ્ઉપરાંત, આ વિસ્તાર ખેતીનો હબ છે અને રેલવે દ્વારા ખેડૂતોને વ્યાપક બજાર ઉપલબ્ધ બનાવવા માટે કિસાન રેલ પણ દોડાવાઈ રહી છે, ત્યારે અહીંથી પણ કિસાન રેલ દોડાવવામાં રેલવેને માલ પરિવહન અંગે પણ વ્યાપક તકો રહેલી છે. દરમ્યાન, રેલવેનાં આગમનથી આ વિસ્તારમાં પરોક્ષ રોજગારીની તકો પણ વ્યાપક બનશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. રેલવેના અધિકારીની સાથે રાડાના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલા, ભીખુભા સોઢા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, નિલેશ માલી વિગેરે જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે દાયકાઓથી રજૂઆત થઈ રહી છે. હવે ચક્રો ગતિમાન થયાં છે તો તાલુકાને ઝડપભેર રેલવે સેવા મળશે તેવી આશા બંધાઈ છે