અમદાવાદઃ બોલીવુડના સુપર સ્ટાર અક્ષય કુમાર એક પછી એક એમ સુપરહીટ ફિલ્મો આપી રહ્યાં છે. દરમિયાન અભિનેતા આગામી દિવસોમાં રામ સેતુ ફિલ્મના શુટીંગ માટે ગુજરાત આવે તેવી શકયતા છે. ફિલ્મનું કેટલુક શુટીંગ શ્રીલંકામાં કરવાનું હતું, પરંતુ કોરોના મહામારીને પગલે શ્રીલંકામાં શુટીંગ શક્ય ન બનતા ભારતમાં જ તેનું શુટીંગ કરવાનું ફિલ્મ ડિરેક્ટર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેમજ આ શુટીંગ ગુજરાતમાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ‘રામ સેતુ’ ફિલ્મનું શૂટિંગ શ્રીલંકામાં પણ કરવામાં આવશે. જોકે, શ્રીલંકાએ વિદેશથી આવતા પ્રવાસીઓએ ફરજીયાત સાત દિવસ ક્વૉરન્ટિન થવાનો નિયમ બનાવ્યો છે અને તેથી જ હવે ત્યાં શૂટિંગ કરવામાં આવશે નહીં. અક્ષય ઓક્ટોબરમાં ફિલ્મ ‘રામ સેતુ’નું શૂટિંગ શરૂ કરશે અને આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ફિલ્મ પૂરી કરશે. અક્ષયે આ ફિલ્મનું મુહૂર્ત માર્ચમાં અયોધ્યામાં કર્યો હતો. આ પછી, તેણે મુંબઈમાં ફિલ્મનું લાંબુ શેડ્યૂલ શૂટ કરવાનું હતું, પરંતુ લોકડાઉનને કારણે શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું. ફિલ્મનો કેટલોક ભાગ શ્રીલંકામાં શૂટ થવાનો હતો, પરંતુ ફિલ્મ નિર્માતાઓએ યોજના બદલી નાખી. આ પછી કેરળમાં ફિલ્મ ‘રામ સેતુ’નું શૂટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ રાજ્ય કોવિડ માટે હોટસ્પોટ બનવા સાથે, ફિલ્મના નિર્માતાઓએ હવે ફિલ્મનો નોંધપાત્ર હિસ્સો ગુજરાતમાં શૂટ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત નુસરત ભરૂચા અને જેક્લીન ફર્નાન્ડીઝ પણ છે. અભિષેક શર્મા ‘રામ સેતુ’નું નિર્દેશન કરી રહ્યા છે.