કોરોના રસીકરણમાં વસતીના મામલે ગુજરાત અગ્રેસરઃ 4.91 કરોડ લોકોને કોરોના સામે કરાયા સુરક્ષિત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના સામે એક માત્ર રામબાણ ઈલાજ રસીકરણ જ છે. જેથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 68 કરોડથી વધારે લોકોને પ્રથમ અથવા બંને ડોઝ આપી દેવામાં આવ્યાં છે. સમગ્ર દેશમાં વસ્તીના આધારે રસીકરણ મામલે પ્રથમ ક્રમે ગુજરાત છે. ગુજરાતમાં 26 ટકા વ્યક્તિઓએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે. જ્યારે 74 ટકા વસ્તીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. જો કે, દેશમાં કુલ વેક્સીનેશન મામલે ગુજરાત ત્રીજા નંબર પર છે.
ગુજરાતમાં લગભગ 2500થી વધારે કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 1.25 કરોડ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. તેમજ 4.91 કરોડ લોકોને કોરોનાની પ્રથમ અથવા બંને ડોઝ લઈ ચૂક્યા છે. એટલે કે ગુજરાતમાં કોરોના રસીકરણ હવે પાંચ કરોડ નજીક પહોંચી ગયું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં 18થી 44 વર્ષના 2.48 કરોડ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરાયાં છે. આવી જ રીતે 45થી 60 વર્ષના 1.46 કરોડ અને 60 વર્ષથી વધુની ઉંમરના 96 લાખથી વધારે કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં 49.10 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 6.29 કરોડ, મધ્ય પ્રદેશમાં 4.96 કરોડ અને રાજસ્થાનમાં 4.68 કરોડ લોકોનું વેક્સીનેશન થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રસીકરણ ઉપર કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રસી બનાવતી કંપનીઓને પણ ડોઝનું ઉત્પાદન વધારવા માટે જરૂરી નિર્દેશ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત લોકોનાની રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને લોકોમાં રહેતી ગેરસમજને દૂર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા સમગ્ર દેશના નાગરિકોને ફીમાં કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બાળકોને પણ કોરોનાની રસી મળી રહે તે દિશામાં કામગીરી ચાલી રહી છે. હાલ બાળકોની રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં બાળકોને પણ કોરોનાની રસી મળી રહેશે.