ઝારખંડ વિધાનસભા સંકુલમાં નમાજ માટે રૂમના મુદ્દે BJPએ ભજનકિર્તન કરી નોંધાવ્યો વિરોધ
દિલ્હીઃ ઝારખંડૃ વિધાનસભા સંકુલમાં નમાજ પઢવા માટે અલગ રૂમની ફાળવણી કરવામાં આવી છે. જેથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ભાજપ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ ભજનકિર્તન કરીને હર હર મહાદેવ અને જયશ્રી રામના નારા પોકાર્યાં હતા. તેમજ રૂમ ફાળવવાનો નિર્ણય રદ કરવા અથવા તમામ ધર્મને યોગ્ય ન્યાય આપવાની માંગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના ધારાસભ્યો આજે વિધાનસભા સંકુલમાં ઢોલ-નગારા સાથે પહોંચ્યાં હતા. તેમજ હર હર મહાદેવ તથા જયશ્રી રામના નારા લગાવ્યાં હતા. આ ઉપરાંત ભજન કિર્તન પણ શરૂ કરી દીધા છે. સમગ્ર મામલે ભાજપના ધારાસભ્યોએ એવું કહ્યું કે વિરોધ ત્યા સુધી કરશે કે જ્યા સુધી નમાજ માટે જે રૂમ ફાળવવામાં આવ્યો છે તે રદ કરવામાં નહી આવે અથવા તો બધાજ ધર્મના લોકો માટે અલગ અલગ રૂમ ફાળવવા માટેની ભાજપ ધારાસભ્યોએ માગ કરી છે.
વિધાનસભાની બહાર આજે ભારે હોબાળો જોવા મળ્યો. જેના કારણે સ્પીકર રવીન્દ્ર નાથ મહતોએ બધા ધારાસભ્યોને પરત જવા માટે અપીલ કરી હતી. પરંતુ હોબાળો શાંત ન થતા વિધાનસભાને સ્થગિત કરવામાં આવી હતી. આ મામલે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ એવું નિવેદન આપ્યું કે ધર્મના નામે વિવાદ છેડવામાં આવી રહ્યો છે. ભાજપ નેતાઓ લોકોને મોંઘવારી અને રોજગાર જેવા મુદ્દાઓથી ભટકાવા માટે આવું કરી રહ્યા છે.