ભારતીય ટીમની નિંદા કરનારાઓને સહેવાગનો સણસણતો જવાબઃ PM પીએમ મોદીનો ફોટો શેયર કરી લખ્યું આવું
દિલ્હીઃ ભારતને લીડ્સ ટેસ્ટ મેચમાં હાર્યા બાદ ઓવલમાં જોરદાર વાપસી કરી છે. પ્રથમ ઈનિંગમાં 99 રનથી પાછળ હોવા છતા ભારતીય ટીમે ઓવર ટેસ્ટમાં 157 રને વિજય મેળવ્યો હતો. રમતના છેલ્લા દિવસે ભારતને 10 વિકેટની જરૂર હતી. ભારતીય બોલરોએ બેટીંગ માટે સારી પીચ ઉપર ઈંગ્લેન્ડની ટીમને 210 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી હતી.
ભારતે પૂરા 50 વર્ષ બાદ ઓવલમાં જીત મેળવી છે અને હવે સિરીઝ જીતવાનો મોકો છે. ઓવલમાં જીત બાદ ચારેય તરફ ભારતીય ટીમના વખાણ થઈ રહ્યાં છે. મોટા-મોટા ખેલાડીઓ પણ ભારતના વખાણ કરતા થાકતા નથી. દરમિયાન પૂર્વ વિસ્ફોટક બેસ્ટમેન વિરેન્દ્ર સહેવાગે વિરાટ સેનાની નિંદા કરનારાઓને જોરદાર જવાબ આપ્યો છે. સહેવાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર શેર કરીને ભારતીય ટીમની નિંદા કરનારાઓની બોલતી બંધ કરી દીધી છે.
વિરેન્દ્ર સહેવાગે સોશિયલ મીડિયા ઉપર પીએમ મોદીનો ફોટો શેયર કર્યો છે. જેની ઉપર લખ્યું છે કે, આપ લોકો રોવાનું બંધ કરો. સહેવાગે તસ્વીરની કેપ્શનમાં લખ્યું છે કે, ટીમ ઈન્ડિયાએ એ લોકોને જવાબ આપ્યો છે કે જેઓ વિચારતા હતા કે આ ટીમ માત્ર ટર્નિંગ પીચ ઉપર જ જીતી શકે છે. સહેવાગની પોસ્ટને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. એટલું જ નહી વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યાં છે. એક પ્રશંસકે લખ્યું છે કે, આ નવુ ભારત છે જે ક્યારેય હારવામાં માનતું નથી અને ઘરમાં ઘુસીને મારે છે.