સુરતમાં કાપડ ઉદ્યોગમાં કામકાજ રાબેતા મુજબ બનતા રેલવેના પાર્સલ વિભાગને મહિને એક કરોડની આવક
સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. અને તેથી જનજીવન રાબેતા મુજબ થતાં ઉદ્યોગ-ધંધા પણ પહેલાની જેમ જ ધમધમવા લાગ્યા છે. તેની સીધી અસર રેલવેના પાર્સલ વિભાગને થઇ છે. છેલ્લા ત્રણ વર્ષના ઇતિહાસમાં સુરત રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગને ગયા ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ એક કરોડ રૂપિયાની આવક થવા પામી છે.
સુરત શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની પહેલી અને બીજી લહેરના કારણે વેપાર ઉધોગ પડી ભાંગ્યો હતો. પરંતુ હવે કોરોનાની અસર ઓછી વર્તાતા જનજીવન ફરી દોડતું થયું છે. છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. આ સાથે માધ્યમિક અને પ્રાથમિક વિભાગના ધોરણો પણ શરૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ હવે સુરતના બે મુખ્ય ઉધોગો ડાયમંડ અને કાપડ ઉધોગ પણ ધમધમવા લાગ્યા છે. રિંગરોડની 165 કાપડ માર્કેટના વેપારીઓ પણ પોતાના માલસામાન રોડ અને રેલવે મારફતે દેશના વિવિધ રાજ્યોમાં મોકલાવી રહ્યા છે. ત્યારે આ ઉધોગની વહારે રેલવે તંત્ર આવ્યું છે. અને કાપડ ઉધોગના વેપારીઓ પણ રોડ ટ્રાન્સપોર્ટની સાથે હવે રેલવે ટ્રાન્સપોર્ટ તરફ પણ વળી રહ્યા છે. જેના કારણે રેલવેની આવકમાં વધારો થઇ રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત જુલાઈ મહિનાથી કાપડ ઉધોગમાં તેજી જોવા મળી રહી છે. વેપારીઓને દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઓર્ડર પણ મળી રહ્યા છે. વેપારીઓ પણ રેલવે મારફતે પાર્સલ મોકલવાની શરૂઆત કરી રહ્યા છે. જેના પગલે રેલવેના પાર્સલ વિભાગને ગત ઓગસ્ટ મહિનામાં એક કરોડ રૂપિયાની આવક થવા પામી છે. વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા સુરત શહેરના કાપડ ઉધોગની સ્થિતિ જોઈને તેમણે સુરતના કાપડ ઉધોગમાં રસ દાખવ્યો હતો. તેઓએ આ પહેલા ચેમ્બર ઓફ કોમર્સ, ફોસ્ટા સહિતના વેપારી સંગઠનો સાથે બેઠક કરી રેલવેની સ્થિતિ વિષે જાણકારી આપી હતી. જેથી વેપારીઓ પણ તે માહિતીથી પ્રભાવિત થયા હતા. અને રેલવે મારફતે પાર્સલ મોકલવાની શરૂઆત કરી હતી. રિંગરોડના કાપડ ઉધોગના વેપારીઓ પણ હવે ભેગા મળીને રેલવેમાં માલનું બુકીંગ કરાવવા લાગ્યા છે. જેથી રેલવે દ્વારા યુપી, બિહાર, પશ્ચિમ બંગાળના રાજ્યોમાં સ્પેશ્યલ પાર્સલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આવતા દિવસોમાં પાર્સલ વિભાગને હજી પણ આવક થવાની આશા છે.