ક્યુબા બે વર્ષના બાળકને કોરોનાની રસી આપનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે અને રસીકરણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બે વર્ષના બાળકને કોરોનાની રસી આપીને બાળકોને રસી આપનારો પ્રથમ દેશ ક્યુબા બન્યો છે. ક્યુબામાં બે વર્ષના બાળકો માટે દેશમાં જ ઉત્પાદીત કરાયેલી કોવિડ-19 રસીને મંજૂરી આપવામાં આવી છે.
જો કે, WHOએ આ રસીને મંજૂરી નથી આપી, અનેક દેશોમાં 12 વર્ષથી વધુની ઉંમરના બાળકોને રસી આપવામાં આવી રહી છે. ભારતમાં હાલ બાળકોની રસી માટે પરિક્ષણ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં બાળકોની રસી ઉપલબ્ધ થવાની શકયતા છે.
ક્યુબામાં કોરોના રસી અબ્દુલા અને સોબરાનાની ટ્રાયલ પુરી થયા બાદ 12 વર્ષથી વધુની ઉંમરના બાળકોના રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે બાદ સોમવારથી અહીં 2-11 વર્ષના બાળકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. યુએનની એજન્સી યુનીસેફએ દુનિયાભારની સ્કૂલોને જલ્દીથી ખોલવા અપીલ કરી છે. બીજી તરફ ક્યુબામાં કોરોનાને કારણે 5700 વ્યક્તિઓના મોત થયાં છે.
અમેરિકાની એક યુનિવર્સિટીએ જાહેર કરેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 220,624,875 લોકો સંક્રમિત થયાં છે. જે પૈકી 4566726 લોકોના મોત થયાં છે. બીજી તરફ અત્યાર સુધીમાં 5446556336 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તેમજ અત્યાર સુધીમાં 70 કરોડ જેટલા લોકોને કોરાનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. 24 કલાકમાં એક કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.