દેશ માટે કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી, આ વાતનું બેસ્ટ ઉદાહરણ છે ઓલિમ્પિકમાં મેડલ જીતનારા એથ્લિટ્સ કે જેમણે ઓલિમ્પિકમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે અને પેતાની કાબિલિયતને સાબિત કરી છે. હવે આ તમામ એથ્લિટ્સની બ્રાન્ડ વેલ્યુ એટલી વધી ગઈ છે કે તેમના પર રૂપિયાનો વરસાદ વરસી રહ્યો છે. આ લિસ્ટમાં નિરજ ચોપડા સૌથી આગળ છે કે જેની બ્રાન્ડ વેલ્યું 1000 ટકા વધી ગઈ છે.
નીરજને મેનેજ કરતી કંપની JSWના CEO મુસ્તફા ગૌસનું કહેવું છે કે અત્યાર સુધી બજારમાં ક્રિકેટરો અથવા પીવી સિંધુ, મેરી કોમ અને સાનિયા મિર્ઝા જેવા મહિલા એથ્લીટ્સનું પ્રભુત્વ હતું. નીરજે આ કલ્પનાને તોડી નાખી છે. નિષ્ણાતોનો અંદાજ છે કે નીરજની વાર્ષિક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી આશરે 2.5 કરોડ રૂપિયા છે. જે ઓલિમ્પિક પહેલા 20-30 લાખ હતી.
નીરજ ચોપડા, બજરંગ પૂનિયા, પીવી સિંધુ, રવિ દહિયા અને અન્ય મેડાલિસ્ટને ઘણી બ્રાન્ડ્સ એપ્રોચ કરી રહી છે.
પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિક પહેલા જ ઘણી બ્રાન્ડ્સની ફેવરિટ રહી છે. સિંધુને મેનેજ કરતી કંપની બેઝલાઇન વેન્ચર્સનાં યશવંત બિયાલાના જણાવ્યા અનુસાર ઘણી નવી બ્રાન્ડ્સે સિંધુનો સંપર્ક સાધ્યો છે અને ઓછામાં ઓછા 2-3 વર્ષ સુધી ડીલ સાઇન કરવા માગે છે. સિંધુ એકમાત્ર ભારતીય મહિલા છે જેણે 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. તેની વાર્ષિક એન્ડોર્સમેન્ટ ફીમાં 60-70 ટકાનો વધારો થતો જોવા મળી રહ્યો છે.
બાળપણમાં જંગલમાંથી લાકડા ઉપાડનાર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં 202 કિલો વજન ઉપાડ્યું હતું. તેણે વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જીત બાદ એક ઇન્ટરવ્યુમાં મીરાબાઈએ કહ્યું હતું કે, ઘરે પરત ફર્યા બાદ તે પિઝા ખાવા માંગે છે. ડોમિનોઝે આ મુદ્દે ઝડપી પ્રતિક્રિયા આપી અને તેને જીવનભર મફત પિઝા આપવાનું વચન આપ્યું. મીરાબાઈ ચાનૂને મેનેજ કરનારી કંપની IOS સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટના ચીફ ઓપરેટિંગ ઓફિસર રાહુલ ત્રેહનનું કહેવું છે કે, ચાનૂ પાસે મેડલ જીત્યા બાદ અનેક બ્રાન્ડ્સની ઓફર છે. જેમાં સ્ટીલ, ઈન્શ્યોરન્સ, બેન્કિંગ, એનર્જી ડ્રિંક્સ અને ઓટોમોબાઇલ્સ જેવા સેક્ટરનો સમાવેશ થાય છે. ચાનૂએ હાલ એમવે ઇન્ડિયા, મોબિલ એન્જિન ઓઇલ, એડિડાસ ગ્લોબલ સાથે કરાર કર્યો છે. ત્રેહનના જણાવ્યા અનુસાર ચાનૂની હાલની એન્ડોર્સમેન્ટ ફી વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુ છે. ટોક્યો ઓલિમ્પિક્સ પહેલાં તે લગભગ 1 મિલિયન હતી.