- વૃક્ષોના સંવર્ધન અને નાના ખેડૂતોને આવક થાય તે ઉદ્દેશ્યથી હરિયાણા સરકારની પહેલ
- હરિયાણા સરકાર 75 વર્ષથી જૂના વૃક્ષોને પેન્શન આપશે
- વૃક્ષોની દેખરેખ કરનારાઓને વર્ષે 2500 રૂપિયાની આર્થિક સહાય અપાશે
નવી દિલ્હી: પર્યાવરણના સંરક્ષણના હેતુસર તેમજ નાના ખેડૂતો તથા શ્રમજીવીઓને આવક પણ થાય તે ઉદ્દેશ્ય સાથે હરિયાણા સરકારે એક યોજના લોન્ચ કરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, હરિયાણા સરકારે પ્રાણવાયુ દેવતા નામથી એક અનોખી પેન્શન સ્કીમ લોન્ચ કરી છે. જેમાં 75 વર્ષથી વધારે આયુ ધરાવતા વૃક્ષોને પેન્શન આપવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો વૃક્ષોની દેખરેખ કરનારાઓને વર્ષે 2500 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
આ યોજનાથી ખાસ કરીને નાના ખેડૂતો તેમજ જમીન વગરના શ્રમજીવીઓથી લાભાન્વિત થશે જ પણ સાથોસાથ વૃક્ષો કાપવા પર પણ રોક લાગશે. હવાની ગુણવત્તા પણ સુધરશે.
અંબાલા ખાતેના વન સંરક્ષણ વિભાગ પાસે આ યોજનાના ભાગરૂપે 75 વર્ષથી જૂના હોય તેવા 55 વૃક્ષોનુ લિસ્ટ પણ આવ્યુ છે. વન વિભાગનુ કહેવુ છે કે, જો કોઈ પણ વ્યક્તિના ઘરમાં 75 વર્ષ કરતા વધારે જુનુ વૃક્ષ હોય અને તે તેના પર પેન્શન લેવા માંગતી હોય તો તે વન વિભાગની સ્થાનિક ઓફિસમાં જઈને અરજી કરી શકે છે.
તે ઉપરાંત પર્યાવરણ સુધાર માટે સરકારે દરેક ગ્રામ પંચાયતને એક હજાર છોડ આપવાનું પણ શરૂ કર્યું છે. જે ઉગાડીને પર્યાવરણના સંવર્ધન તેમજ સંરક્ષણ પર ભાર મૂકાઇ રહ્યો છે.