આણંદઃ જિલ્લા એલસીબીએ આરટીઓ એજન્ટોનું કામ કરતા બે ઇસમને ઝડપી નકલી આરસી બુકોનું રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ અંગે નકલી આરસી બુક દ્વારા કેટલાં વાહનોની લે-વેચ થઈ છે તેમજ વાહન ફાઈનાન્સ કંપનીઓ અને તેની એજન્સીઓ દ્વારા પણ આ તત્ત્વનો ઉપયોગ કરી નકલી આરસી બુકોથી વેપાર કર્યો છે કે કેમ? એ અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આણંદ લોકલ ક્રાઈમને બાતમી મળી હતી કે નકલી આરસી બુક બનાવીને વેચવામાં આવી રહી છે. આથી પોલીસે સર્ચ કરતા ઉમરેઠના ગુલામ મોહંમદ ઉર્ફે ગુલો આદમભાઇ વ્હોરા પાસેથી અલગ અલગ આર.ટી.ઓ.ની કુલ 16 આર.સી.બુકો મળી આવી હતી. જેથી પકડાયેલી આર.સી.બુકો બાબતે ખાતરી-તપાસ કરવી જરૂરી હોઇ, જેથી જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન ઝડપાયેલા ઈસમ પાસેથી મળેલી આરસી બુકોને અમદાવાદ ખાતેના આર.સી.બુક સેન્ટર, કચેરીમાં ચિપ રીડર મારફત ખાતરી-તપાસ કરાવતાં તમામ સ્માર્ટ કાર્ડ (આર.સી.બુક) ચિપમાં રહેલી માહિતી તથા કાર્ડ પર છાપેલી માહિતી અલગ અલગ હોવાનું જણાઇ આવ્યું હતું. આ બાબતે ઘનિષ્ટ પૂછપરછ કરતાં આ બનાવટી આર.સી. બુકો બનાસકાંઠાના વડગામ તાલુકાના રજોસણા ગામે રહેતા તારીફ અબ્દુલ હમીદ માકણોજિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેથી તેની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે આ તમામ સ્માર્ટ કાર્ડ પોતાના લેપટોપમાં છાપી પ્રિન્ટરથી કોપી કાઢી રાજ્યના ઓળખીતા એજન્ટોને વેચતો હતો. એ આધારે આણંદ ટાઉન પોલીસે 8 સપ્ટેમ્બર 2021ના રોજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પોલીસને આ ગુનાની તપાસ દરમિયાન બન્ને ઇસમોની સઘન પૂછપરછ કરતાં ઉમરેઠનો ગુલામ મોહંમદ ઉર્ફે ગુલો વડગામના તારીફ માકણોજિયા પાસેથી દરેક આર.સી.બુક 2500થી 3000 રૂપિયામાં મેળવેલી હોવાનું ખૂલ્યું હતું, જેથી વડગામના તારીફ માકણોજિયા ગામે પાલનપુર હાઇવે ઉપર આવેલા ગોલ્ડન પ્લાઝામાં જી-3 દુકાનમાં રેડ કરતાં 999 નંગ છાપેલી આર.સી. બુક તથા 253 નંગ અડધી છાપેલી તથા અડધી કોરી આર.સી. બુકો કુલ-1252 નંગ તેમજ પ્રિન્ટર, લેપટોપ, પેન ડ્રાઇવ તથા થિનરની બોટલ નંગ-6, પ્રિન્ટર રોલ નંગ-22, કાપડના ટુકાડા નંગ-5 તથા મોબાઇલ-2 મળી કુલ રૂ.56 હજાર 790નો મુદ્દામાલ ઝડપાયો હતો, જે પોલીસે જપ્ત લીધી છે.