બાળકના આંતરડાના બંન્ને છેડે સ્ક્રુ ફસાયો: સિવિલ હોસ્પિટલના સર્જનોએ ભારે જહેમત બાદ સ્ક્રુ દૂર કર્યો
અમદાવાદઃ નાના બાળકો રમત રમતમાં કેટલીંક વખત ભૂલથી કોઇ વસ્તુ ગળી જતા હોય છે. જે તેને મોટી મુશકેલીમાં પણ મૂકી દે છે. આવા ઘણા કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે. જો આ પ્રકારના કિસ્સામાં તકેદારી રાખવામાં ન આવે અને સત્વરે સચોટ સારવાર ના મળે તો મોટી હાનિ થવાનો ભય પણ રહેલો હોય છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં તબીબોએ ભારે જહેમત બાદ બે વર્ષના બાળકના નાના અને મોટા બંને આંતરડાના છેડે ફસાયેલા સ્ક્રુને ભારે જહેમત બાદ સર્જરી કરીને બહાર કાઠ્યો હતો.
અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા અને સુથાર કામ કરતા રામકલાલ ચૌહાણનો 2 વર્ષનો દીકરો પિયુષ ઘરમાં રમતા-રમતા કેટલીક વસ્તુઓ ગળી ગયો હતો. જેના કારણે તેને સમયાંતરે ઉલ્ટીઓ થવાની શરૂ થઇ હતી. જેને તેમના માતા-પિતાએ નઝરઅંદાજ કરીને સામાન્ય દવાઓ આપી હતી. હવે જ્યારે પિયુષને સતત શરદી અને ઉધરસ રહેવા લાગી ત્યારે તેના માતા-પિતા ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે લઇ ગયા હતા.
ખાનગી હોસ્પિટલના તબીબોએ એક્સ-રે કરાવતા પિયુષ ત્રણ થી ચાર વસ્તુઓ ગળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. સર્જનોએ એન્ડોસ્કોપી કરતા નાની ચેઇન અને ટાંકણી તેના પેટમાં હોવાની જાણ થઇ હતી. જે ખાનગી તબીબોએ સર્જરી કરીને દૂર કરી હતી. પરંતુ આ બંને વસ્તુની સાથે સ્ક્રુ પણ તેના પેટમાં હતા. જેણે તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જેની સર્જરી કરવી ખાનગી તબીબો માટે જોખમ ભરેલી અને ખર્જાળ પણ હોવાથી સામાન્ય વર્ગના પરિવાર માટે અશક્ય બની રહી હતી. જેથી પિયુષના માતા-પિતા તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા.
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં જ્યારે પીયુષને લાવવામાં આવ્યો ત્યારે અહીંના તબીબોએ પણ વિવિધ રીપોર્ટસ કરાવ્યા હતા. રીપોર્ટના આધારે સ્ક્રુ ચોક્કસ પણે ક્યાં ફસાયેલા છે તે જોવાનો પ્રયત્ન કર્યો હતો. તબીબોના અનુભવના આધારે આ સ્ક્રુ લગભગ 6 થી 8 મહિનાથી આંતરડામાં ચોંટી ગયો હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. 2 વર્ષના બાળકના બંને આંતરડા વચ્ચે ફસાયેલા સ્ક્રુને સર્જરી દ્વારા દૂર કરવું પડકાર ભરેલું હતું. સર્જરી દરમિયાન તબીબોને આશ્રર્યમાં મૂકે તે બાબત એ હતી કે, સ્ક્રુનો આગળનો ભાગ મોટા આંતરડામાં જ્યારે પાછળનો અણીદાર ભાગ નાના આંતરડા વચ્ચે ચોંટી ગયો હતો. આ સર્જરી દરમિયાન ખૂબ જ ચોકસાઇ વર્તવાની જરૂર હતી. જો કે નિષ્ણાંત તબીબોની ટીમે પિયુષના આંતરડામાંથી સ્ક્રુ દૂર કર્યો હતો.