ગુજરાતમાં જેટલા પણ જિલ્લાઓ છે તેનો અલગ ઈતિહાસ છે, દરેકનો અલગ અલગ ઈતિહાસ છે જેના કારણે દરેક જિલ્લા આગવી ઓળખ ધરાવે છે. પંચમહાલ જિલ્લો કે જેની વાત જ અલગ છે, એક જ સ્થળ પર પાંચ મહેલ હતા તેના આધારે આનું નામ પાડવામાં આવ્યું છે તેવું સરકારી રેકોર્ડમાં બોલે છે.
પંચમહાલ એટલે કે “પાંચ મહેલ” જેમાં પાંચ તાલુકા કે જે સબ-ડિવીઝન (ગોધરા, દાહોદ, હાલોલ, કાલોલ અને ઝાલોદ) ગ્વાલિયરના મહારાજા સિંધિયાનાઓને અંગ્રેજોને સુપરત કર્યા હતા. જે ઉપરથી આ જિલ્લાનું નામ પંચમહાલ પડેલ છે. ત્યાર બાદ 1-મે-1960ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગ કરવામાં આવ્યા. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તે જ સમયથી પંચમહાલ જિલ્લો ૧૧ તાલુકા (1) ગોધરા (2) કાલોલ (3) હાલોલ (4) શહેરા (5) લુણાવાડા (6) સંતરામપુર (7) ઝાલોદ (8) દાહોદ (9) લીમખેડા (10) દેવગઢ બારીયા સાથે ગુજરાત રાજ્યનો ભાગ બન્યો.
બાદમાં 1997માં ગુજરાત સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા ક્રમાંકઃ જીએચએમ-97-85-એમ-પીએફઆર-1097-એલ તા.24-4-1997થી પંચમહાલ જીલ્લાનું વિભાજન કરી પંચમહાલ જીલ્લામાંથી નવીન દાહોદ જીલ્લાની રચના કરવામાં આવી. તથા જાહેરનામા ક્રમાંકઃજેએચએમ-97-120 એમ-પીએફઆર-2397-2593-એલ તા.15-10-1997થી પંચમહાલ જીલ્લામાં આવેલ લુણાવાડા તાલુકાનું વિભાજન કરી ખાનપુર તાલુકો અને ગોધરા તાલુકાનું વિભાજન કરી મોરવા(હડફ) તાલુકાની રચના કરવામાં આવી. વિભાજન બાદ ખાનપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા, શહેરા, મોરવા(હ), ગોધરા, કાલોલ, હાલોલ અને જાંબુધોડા આમ કુલ-૧૧ નવા તાલુકા સાથે પંચમહાલ જીલ્લાની નવી સરહદ તા.2-10-97 નારોજ અસ્તિત્વમાં આવી.
ત્યાર બાદ વર્ષ 2013માં ગુજરાત સરકારના જાહેરનામા ક્રમાંકઃજીએચએમ-2013-73-એમ-પીએફઆર-102013-139-એલ-1 તા.13-08-2013થી પંચમહાલ જીલ્લાનું વિભાજન કરી નવા મહીસાગર જીલ્લાની રચના કરવામાં આવી. પંચમહાલ જીલ્લામાં આવેલ સાત તાલુકા શહેરા,મોરવા(હ), કાલોલ, ગોધરા, ધોધંબા, હાલોલ અને,જાંબુધોડાના મુખ્ય મથક તરીકે ગોધરા અને નવો અસ્તિત્વમાં આવેલ મહીસાગર જીલ્લાના મુખ્ય મથક તરીકે લુણાવાડા રાખવામાં આવ્યું. આમ પંચમહાલ જીલ્લાની નવી સરહદ તા.13-08-2013ના રોજ અસ્તિત્વમાં આવી.