વડોદરામાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવમાંથી મગરને રેસ્ક્યુ કરાયો
વડોદરાઃ શહેરમાં ગણેશોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. અને ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે શહેરના નવલખી મેદાનમાં કૃત્રિમ ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં 4 ફૂટનો મગર આવી ચડ્યો હતો. આ મગરને રેસ્ક્યૂ કરીને પિંજરામાં પૂરવામાં આવ્યો હતો.
વડોદરાના નવલખી તળાવમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. દરમિયાન મોડી રાત્રે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર મહેશભાઇ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, નવલખી ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવેલું છે. જેમાં એક મગર આવી ગયો છે. આ કોલ મળતાની સાથે જ સંસ્થાના કાર્યકર યુવરાજસિંહ રાજપૂત, સંતોષ રાવલ, સુવાસ પટેલ, અરુણ સૂર્યવંશી અને વડોદરા વિભાગના અધિકારી પટેલને લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જોતા કૃત્રિમ તળાવની અંદર એક 4 ફૂટનો મગર જોવા મળ્યો હતો. આ મગરને 3 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરીને વડોદરા વન વિભાગને સોપવામાં આવ્યો હતો.
અરવિંદ પવારના જણાવ્યા અનુસાર કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન માટે નવલખી ગ્રાઉન્ડમાં એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલું છે. આ તળાવની અંદર મોડી રાત્રે પાણી છોડવામાં કામગીરી ચાલી રહી હતી. ત્યારે એક મગર ત્યાં જોવા મળ્યો હતો. જોકે, તળાવમાંથી મગર પકડી શકાય નહીં પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવેલા આ કૃત્રિમ તળાવમાં લોકો ગણપતિ વિસર્જન કરવામાં આવે છે, જેથી મગર પકડવો જરૂરી હતો. આ મગરને પકડવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોર્પોરેશન દ્વારા તળાવ ફરતે લાઈટો ચાલુ ન હોવાથી વડોદરા ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. અને વડોદરા ફાયરબ્રિગેડની ઇમરજન્સી લાઇટ ચાલુ કરીને મગરને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ મગર ત્રણ કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યૂ કરી લેવાયો હતો અને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.