રાજકોટઃ રાજ્યમાં હવે દૂધમાં પણ ભેળસેળ વધી રહી છે. ભેળસેળ કરવામાં રાજકોટ મોખરે છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગત માસમાં એક દૂધ ભરેલી બોલેરો પકડવામાં આવી હતી. પોલીસ તંત્રને દૂધમાં ભેળસેળની શંકા હતી બાદમાં આ વાહનમાંથી લેવામાં આવેલા નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આવતા સબ સ્ટાન્ડર્ડ દૂધમાં ફોરેન ફેટની હાજરી દેખાઈ હતી તેમજ તેના બી.આર.રીડિંગ પણ ધારાધોરણો કરતા વધુ આવ્યાં હતાં. એટલે કે દુધમાંથી મલાઈ કાઢી લઈને પામ તેલ અને સોયોબીનનું મિશ્રણ કરીને દુધ ઘટ્ટ બનાવાતું હતું. જે આરોગ્ય માટે હાનિકારક છે.
ફૂડ બ્રાન્ચના અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે, બોલેરોમાંથી દૂધ જુદી જુદી ડેરીઓમાં મોકલવામાં આવતું હતું ત્યાંથી લેવામાં આવેલા નમૂનામાં પણ ફોરેન ફેટની હાજરી અને બી.આર. રીડિંગ વધુ મળ્યાં હતાં, એટલે કે આ દૂધમાં સોયાબીનનું તેલ અથવા પામતેલની ભેળસેળ કરવામાં આવતી હતી. આ ઉપરાંત પ્રહલાદ પ્લોટ, શેરી નં.52ના ખુણે આવેલી ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલા દૂધના નમૂનામાં એસએનએફ ઓછા જોવા મળતાં તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આમ ‘સફેદ’દૂધમાંથી મલાઈ કાઢીને ભેળસેળ કરવાનો કાળો કારોબાર સામે આવ્યો હતો.
ફૂડ બ્રાન્ચ દ્વારા ગણેશ ચતુર્થીના પર્વ પર રાજકોટના સંતકબીર રોડ અને ભૂપેન્દ્ર રોડની રાત્રી બજારો અને દુકાનો મળી 22 સ્થળે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં 18 કિલો વાસી બટેટા, સોસ સહિતની સામગ્રીનો નાશ કરાયો છે. જે સ્થળેથી વાસીમાલનો નાશ કરાયો તેમાં સંતકબીર રોડ પરના લાઇવ પફ વર્લ્ડમાંથી 18 કિલો વાસી સડેલા બટેટા, સિતારામ પાણીપૂરીમાંથી 3 કિલો વાસી બટેટાનો માવો, રામદેવ નાસ્તા સેન્ટરમાંથી 3 કિલો વાસી સોસ, કાર્તિક ઢોસામાંથી 1 કિલો વાસી પનીરનો સમાવેશ થાય છે જ્યારે ભૂપેન્દ્ર રોડ પર રોયલ ચાઇનિઝ પંજાબીમાંથી 4 કિલો વાસી સોસ, જય સીતારામ વડાપાઉંમાંથી 4 કિલો, ખેતલાઆપા વડાપાઉંમાંથી પાંચ કિલો તેમજ દિલખુશ વડાપાઉંમાંથી 5 કિલો વાસી સોસનો નાશ કરાયો છે. આ વડાપાઉંનું વેચાણ રાજશ્રી ટોકિઝ પાસે થાય છે.