નૉર્થ કોરિયાએ લૉન્ગ રેન્જ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, તાનાશાહ કિમ જોંગ ના રહ્યા ઉપસ્થિત
- નોર્થ કોરિયાએ લૉન્ગ રેન્જ મિસાઇલનું કર્યું પરિક્ષણ
- નૉર્થ કોરિયાએ ત્રણ દિવસ પહેલા પોતાના 73માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી
- જો કે આ વખતે પરિક્ષણ દરમિયાન કિમ જોંગ ઉન ઉપસ્થિત રહ્યા ન હતા
નવી દિલ્હી: નૉર્થ કોરિયાએ ત્રણ દિવસ પહેલા પોતાનો 73મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. આ અવસરે તાનાશાહ કિમ જોંગે હથિયારોનું પ્રદર્શન ના કર્યું તો સૌ કોઇ અચરજ પામ્યા હતા. જો કે હવે એક વાર ફરી કિંમ જોંગે પોતાના દુશ્મનોને સામર્થ્ય દર્શાવવા માટે નવી ચાલ રમી છે. નૉર્થ કોરિયાએ હવે લૉન્ગ રેન્જ મિસાઇલનું પરીક્ષણ કર્યુ છે.
નોર્થ કોરિયાની એજન્સીએ મિસાઇલ પરીક્ષણની તસવીર પણ જારી કરી છે. એક અખબારમાં મિસાઇલ પરીક્ષણનું વર્ણન કરનાર એક લેખની બે તસવીર છાપવામાં આવી છે જેમાં એક મિસાઇલને લોન્ચ અને આકાશમાં ઉડતી દર્શાવાઇ છે.
1500 કિલોમીટરની રેન્જ ધરાવતી આ મિસાઇલને સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવી છે. પરીક્ષણ દરમિયાન મિસાઇલોએ પોતાના લક્ષ્યને ભેદતા પહેલા 7,580 સેકન્ડમાં 1500 કિલોમીટરનું અંતર નક્કી કર્યું હતું. જો કે સરકારી રિપોર્ટ અનુસાર કિંમ જોંગ ત્યાં ઉપસ્થિત ન હતા.
નોંધનીય છે કે, અગાઉ મિસાઇલ પરીક્ષણ દરમિયાન કિમ જોંગની તસવીરો સામે આવતી હતી. જેમાં તેઓ પરિક્ષણ દરમિયાન પોતે હાજર રહેતા હતા. જો કે આ વખતે આવી કોઇ તસવીર જોવા નથી મળી.