અમદાવાદઃ પાકિસ્તાનની ભારતીય જળસીમાનો ગેરકાયદે પ્રવૃતિઓને અટકાવવા માટે કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સી દરિયામાં સતત પેટ્રોલીંગ કરે છે. દરમિયાન ભારતીય જળસીમામાં ઘુસી આવેલી એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ નજરે પડી હતી. જેથી પેટ્રોલીંગ કરતી કોસ્ટગાર્ડની ટીમે બોટને અટકાવીને તપાસ કરતા અંદરથી 12 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં હતા. આ તમામ પાકિસ્તાની શંકાસ્પદોની ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આગવીઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ તમામ પાકિસ્તાની નાગરિકો હોવાનું ખૂલ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જળસીમામાં ઘૂસી આવેલા 12 પાકિસ્તાની માછીમારો સાથેની એક બોટને કોસ્ટગાર્ડે ઝડપી પાડી હતી. કોસ્ટગાર્ડ દ્વારા બોટ સાથે તમામ માછીમારોને ઓખા બંદર પર લવાયા હતા તેમજ અલગ અલગ એજન્સીઓ દ્વારા પાકિસ્તાની માછીમારોની પૂછપરછ હાથ ધરવામા આવી હતી. ભારતીય કોસ્ટગાર્ડની પેટ્રોલીંગ શીપ રાજરત્ન જ્યારે ભારતીય જળ સીમામાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ભારતીય જળસીમામાં પાકિસ્તાની માછીમારી બોટ ‘અલ્લાહ પાવક્કલ’ ને 12 માછીમારો સાથે પકડી પાડી હતી અને ઓખા બંદર પર મરીન પોલીસ કસ્ટમ, ફિશરીઝ.આઇ બી સાઈટની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા માછીમારોની પૂછપરછ હાથ ધરવામા આવી હતી. કોસ્ટગાર્ડ દ્વારા મરીન પોલીસને માછીમારોનો કબજો સોંપવામા આવશે. ત્યારબાદ મરીન પોલીસ દ્વારા માછીમારો સામે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનના માછીમારો અવાર-નવાર જળસીમા ક્રોસ કરીને અન્ય દેશના દરિયાઈ વિસ્તારમાં ભૂલથી માછીમારી કરવા જતા રહેતા હોય છે. જ્યારે પાકિસ્તાનની સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરવાની ઘટના અવાર-નવાર સામે આવે છે.