દેશના ટુરિઝમ સેક્ટરને વેગવંતુ બનાવવા સરકારનો નિર્ણય, 5 લાખ વિદેશી પર્યટકોને સરકાર નિ:શુલ્ક વિઝા આપશે
- દેશના ટુરિઝમ સેક્ટરને વેગવંતુ બનાવવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- પાંચ લાખ વિદેશી પર્યટકોને નિશુલ્ક વિઝા અપાશે
- 31 માર્ચ 2022 સુધી જે પણ પર્યટક આવશે તેમને નિશુલ્ક વિઝા અપાશે
નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લાગૂ કરાયેલા લોકડાઉન દરમિયાન દેશના ટૂરિઝમ સેક્ટરને સૌથી વધુ ફટકો પડ્યો હતો. ટૂરિઝમ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું હતું.
કોરોનાની અસર હવે ઓછી થઇ રહી છે ત્યારે ભારત સરકાર ટૂંક સમયમાં વિદેશી પર્યટકો માટે દેશના દરવાજા ખોલી શકે છે. ટુરિઝમ તેમજ હોટલ ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે પહેલા પાંચ લાખ વિદેશી પર્યટકોને મફત વિઝા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયના અધિકારીઓ વિદેશી પર્યટકો માટે દેશના એરપોર્ટ ખોલવા માટેની તારીખ અને ગાઈડલાઈન પર હાલમાં વિચારણા કરી રહ્યા છે.આગામી દસેક દિવસમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
હાલમાં દેશમાં રોજ 30000ની આસપાસ કોરોનાન નવા કેસ આવી રહ્યા છે.તેની સામે 80 કરોડ લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મુકી દેવાયો છે.
સરકારના સૂત્રો અનુસાર, સરકાર દેશના ટુરિઝમ સેક્ટરમાં પ્રાણ ફૂંકવા માટે પહેલા પાંચ લાખ વિદેશી પર્યટકોને મફત વિઝા આપવામાં આવશે અથવા તો 31 માર્ચ 2022 સુધી જે પણ પર્યટક આવશે તેમને નિશુલ્ક વિઝા અપાશે. આમાંથી જે શરત વહેલી પૂરી થશે તે લાગૂ થશે. દેશમાં સરકારે કોરોનાના કારણે 2020ના માર્ચ મહિનાતી ઇ વિઝા આપવાનું બંધ કરેલું છે. કારણ કે આ સમયગાળામાં ભારતમાં કોરોનાની બીજી લહેર આવી હતી.
દરમિયાન સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોને કુલ ક્ષમતાના 85 ટકા સુધી બેસાડવા માટે પણ મંજૂરી આપી છે.મે મહિનામાં ફલાઈટો શરુ કરાઈ ત્યારે 33 ટકા મુસાફરોને જ બેસાડી શકાતા હતા.