ભારતથી સીધી કેનેડાની ફ્લાઈટ સર્વિસ શરૂ, વિદ્યાર્થીઓને મોટો ફાયદો
નવી દિલ્લી: દેશમાં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ કેનેડાએ ભારતથી આવતી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો હતો, હવે તેને આજથી હટાવી લેવામાં આવ્યો છે. આખરે પાંચ મહિનાના લાંબા સમય પછી ભારત અને કેનેડા વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ છે. હવે ભારતથી કેનેડા જનારા તમામ લોકો દિલ્હીથી સીધી ટોરોન્ટો ફ્લાઈટ સર્વિસ શરૂ કરી છે.
એર કેનેડાએ ટ્રાવેલ પાર્ટનર્સને કહ્યું છે, “આ ઉપરાંત હવાઈ મુસાફરી માટે નીચે મુજબની નવી આવશ્યકતાઓ યથાવત્ રહેશેઃ તમામ મુસાફરોએ રસીના બે ડોઝ લીધા હોવા જોઈએ. કેનેડા દ્વારા માત્ર નીચે પ્રમાણેની રસીઓને જ માન્યતા આપવામાં આવી છેઃ જોનસન/મોડર્ના/ફાઈઝર/કોવિશીલ્ડ. મુસાફરી અગાઉ https://www.arrivecan-online.com/ પર અપલોડ કરી દેવાના રહેશે.
ત્રીજા દેશમાંથી નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટની આવશ્યક્તા હવે સમાપ્ત કરવામાં આવી છે. સીધી ફ્લાઈટ્સની સેવા ફરી શરૂ થવાની સાથે પ્રથમ ફ્લાઈટ AC 42 (ટોરોન્ટો-દિલ્હી) સોમવારે રાત્રે 9 વાગ્યા આસપાસ ગંતવ્યસ્થાને લેન્ડ થશે. એર ઈન્ડિયા દિલ્હી-વાનકુવર અને દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ્સ ટૂંક સમયમાં જ શરૂ કરશે.
કેનેડાએ ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર વધ્યા પછી 23 એપ્રિલ, 2021થી ભારતથી તમામ કમર્શિયલ અને પ્રાઈવેટ પેસેન્જર ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દીધી હતી અને ત્યારથી ભારતથી કેનેડા જવા ઈચ્છતા લોકોએ અન્ય દેશમાં થઈને કેનેડા પહોંચવું પડતું હતું, જેમાં મુસાફરોએ ટેક ઓફ કરતાં પહેલાં ટ્રાન્ઝિટ દેશમાંથી કોવિડનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ મેળવવો આવશ્યક હતું.