ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રમાં ચાર બીલને મંજુરી અપાશે, રણનીતિ ઘડવા મંત્રીઓની બેઠક મળી
ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવ નિયુક્ત સરકારે કામગીરી શરૂ કરી દીધી છે. બીજીબાજુ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસા સત્રનો તા.27મી સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વિધાનસભાના સત્રમાં વિપક્ષ કોંગ્રસેનો સામનો કેવી રીતે કરવો તેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ સંદર્ભે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તેમનું મંત્રી મંડળ નવુ છે. તમામ મંત્રીઓએ પ્રથમવાર જ સત્તાની ધૂરા સંભાળી છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના પ્રશ્નોના જવાબ આપવામાં અને કોંગ્રેસના વિરોધનો કેવી રીતે સામનો કરવો તે નવા મંત્રીઓ માટે અઘરૂં છે. ત્યારે મંત્રીપદેથી વિદાય કરાયેલા જુના સાથીઓ કટલો સપોર્ટ કરે છે તે જોવું રહ્યું. વિધાનસભામાં ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારને ભીડવવા માટે રણનીતિ નક્કી કરવા આજે મંગળવારે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રને લઇને મુખ્યમંત્રીની ઓફિસમાં આજે મહત્વની બેઠક મળી હતી . જેમાં ચાર બિલ પસાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.. જે ચાર બીલ ગૃહમાં મંજુરી માટે લાવવાના છે જેમાં ગુજરાત પ્રોફેશનલ મેડિકલ કોલેજ અને ઈંસ્ટીટ્યુશન એક્ટ, ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુજરાત ખાનગી યુનિવર્સીટી વિધેયક અને ઇંડિયન પાર્ટ્નરશીપ એક્ટનો સમાવેશ થાય છે. ગૃહમાં ભાજપની બહુમતી હોવાથી બીલને મંજુર કરવામાં કોઈ મુશ્કેલી નહીં નડે પરંતુ બીલ પરની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્યો વિવિધ પ્રશ્નો ઉઠાવીને વિરોધ કરશે તે નક્કી છે. એટલે સરકાર અને વિપક્ષ બન્ને પોતપોતાની રણનીતિ નક્કી કરી રહ્યું છે.