અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાંયું વાતાવરણ હોવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચિકનગુનિયા બાદ હવે ડેન્ગ્યુના કેસ પણ વધી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો સામે આવી રહ્યા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હાલમાં તાવ અને ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાના કેસો ખૂબ જ વધ્યા છે. ચાલુ સપ્ટેમ્બર માસમાં 18 દિવસમાં ડેન્ગ્યુના 427, ચિકનગુનિયાના 183 કેસો નોંધાયા છે. જ્યારે ઝાડા ઊલટીના 208 અને ટાઇફોઇડના 211 જેટલા કેસો નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં દર્દીઓ વધતા જાય છે. મચ્છરજન્ય રોગો વધતાં શહેરમાં દરેક જગ્યાએ ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે મેલેરિયા વિભાગની 400 જેટલી ટીમ અને હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબુમાં લેવા કાર્યરત અને મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે. છતાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. જેના કારણે વોર્ડના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ડેન્ગ્યુ ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીનું હેલ્થ સેન્ટર પર બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે. ડેન્ગ્યુના 16000થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે મેલેરિયાની પણ આજ રીતે સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં 45 મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11000થી વધુ દર્દીઓએ સારવાર મેળવી છે. મેડિકલના 6700 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 68 દર્દીઓને અન્ય સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ચોમાસાની સિઝન ચાલે છે અને સતત વરસાદ પડી રહ્યો છે, જેથી નાગરિકોને અપિલ કરીએ છીએ કે તેમના ઘરની આસપાસ છત પર વગેરે જગ્યાએ પાણી ન ભરાઈ રહે તેની ખાસ તકેદારી રાખે અને જો પાણી ભરાયેલું હોય તો તેનો ઝડપથી નિકાલ કરે. મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે દરેક ઘરમાં ફોગિંગ અને જતુનાશક દવાઓનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ઘરોમાં અને જતુંનાશક દવાઓનો છંટકાવ કર્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે,ચોમાસા દરમિયાન આવા વાઇરલ ઇન્ફેક્શન અને ફ્લૂના કેસોમાં વધારો જોવા મળે છે. શહેરમાં અત્યારે ડેન્ગ્યુના કેસો ખૂબ વધી રહ્યા છે. મચ્છરજન્ય રોગોના રિપોર્ટમાં સૌથી વધુ ડેન્ગ્યુના જંતુઓ મળી આવે છે. સાથે સાથે ચિકનગુનિયાના કેસો પણ વધુ મળી આવ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો વધુ છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ચિકનગુનિયાના કેસો વધુ જોવા મળે છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં તાવ આવે છે અને બાદમાં રિપોર્ટમાં તે જાણ થાય છે. કોરોના અને ડેન્ગ્યુના કેસોને કોઈ લેવા દેવા નથી. ચોમાસામાં આવા કેસો વધુ જોવા મળે છે.