ભૂજઃ કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાની પુનઃ પઘરામણી થઈ છે. વાગડના રાપર તાલુકામાં ગઈકાલે સાંજે શરુ થયેલા વરસાદે શહેરમાં સાંજથી રાતના 12 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ પાણી વરસાવી દીધું હતુ. જ્યારે મોડી રાત્રી બાદ તાલુકાના બેલા, મોવાણા વિસ્તારમાં મેઘરાજાએ રાતવાસો કર્યો હોય તેમ વહેલી સવાર સુધીમાં સાત ઇંચ વરસાદ વરસાવી દીધો હતો.
કચ્છના વાગડ પંથકમાં સાત ઇંચ વરસાદ ખાબકતા બેલાના તમામ તળાવો ઓવરફ્લો થઇ ગયા છે. જ્યારે નજીકના મોવાણામાં પણ છથી સાત ઇંચ વરસાદ પડ્યાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. આમ વાગડ વિસ્તારમાં ગત રાત્રીથી આજે સવાર સુધી સાંબેલા ધાર વરસાદ પડતાં અનેક નાના મોટા તળાવો ઓવરફ્લો થઈ ગયા હતા. વ્રજવાણી, બાલાસર, દેશલપર,લોદ્રાણી ગઢડા વગેરે વિસ્તારમાં પણ નદી નાળા પાણી વહી રહ્યા છે. રાપરમાં આજે પણ પોણા બે ઇંચ વરસાદ ખાબકતા ગત રાત્રીથી અત્યાર સુધી ત્રણ ઇંચ જેવો વરસાદ પડયો છે. રાપર શહેર પાણી પાણી થઈ ગયું હતું તો તાલુકાના આડેસર, રામવાવ, મોટી રવ, ચિત્રોડ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
રાપર-ભચાઉ તાલુકાના હાઈવે પટ્ટીના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળા ડુંગર પર એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ખાવડામાં પણ ધોધમાર વરસાદ વરસતાં જોતજોતામાં જોશભેર પાણી રેલાયા હતા. રાપર તાલુકાના ત્રંબો આડેસર, કીડીયાનગર, ગોગોદર પલાંસવા,ઘાણીથર કાનમેર, ભીમાસર, માખેલ, કાનપર, અને આસપાસના અન્ય ગામોમાં પણ સાંજે 7.30 વાગ્યા બાદ વરસાદ પડયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઝાપટા બાદ રાત્રી દરમ્યાન પણ ધીમીધારે વરસાદ શરૂ જ હતો