દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે એટલું જ નહીં અત્યાર સુધીમાં લગભગ 80 કરોડ જેટલા ડોઝ કોરોના રસીના આપવામાં આવ્યાં છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનું 100 ટકા રસીકરણ થઈ ગયું છે. જ્યારે પુખ્તવયના 66 ટકાથી વધારે લોકોને ઓછામાં ઓછો રસીનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગો અને શારિરીક્ષ અક્ષમ લોકોને તેમના ઘરે જઈને કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસ ધીમી ગતિએ ઘટી રહ્યા છે. એટલે કે કોરોનાની બીજી લહેર ખતમ થઈ નથી. દેશમાં ગત સપ્તાહે કુલ કેસના 62 ટકા કેસ માત્ર કેરળમાં આવ્યા હતા. અત્યારે કેરળમાં કોરોનાના સક્રિય કેસ એક લાખથી વધુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 40 હજારથી વધુ સક્રિય કેસ છે. દેશમાં 12 સપ્તાહથી સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. તો આગામી તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યોને 21 સપ્ટેમ્બરે વ્યાપક SOP જાહેર કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, બીજી તરફ દેશમાં કોરોના રસીકરણ પણ પૂરઝડપે થઈ રહ્યું છે. દેશમાં ફ્રન્ટલાઈન વર્કર્સનું પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. જ્યારે દેશના પુખ્ત વયના 66 ટકા લોકોને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં 63.6 ટકા જ્યારે શહેરી વિસ્તારોમાં 37.4 ટકા રસીકરણ થયું છે. સપ્ટેમ્બરમાં દૈનિક સરેરાશ 82 લાખ ડોઝ લગાવવામાં આવી રહ્યા છે. તેમજ દિવ્યાંગો, વિશેષ જરૂરિયાતવાળા લોકોના ઘરે પણ રસીકરણ શરૂ થશે.