અમદાવાદના ચાંદખેડાની 10 સોસાયટીના મતદારોના બે યાદીમાં નામ, મત આપવા ક્યાં જવું તે મોટો પ્રશ્ન
અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદખેડા વોર્ડની એક મહિલા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ રહી છે સાથે જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. પરંતુ આ બંને ચૂંટણીમાં મતદાન કરવા મુદ્દે કેટલાંક નાગરિકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. ચાંદખેડા વોર્ડના સત્યમેવ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલી 10થી વધુ સોસાયટી એવી છે કે, જેમના મતદાર તરીકે નામ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 11ની મતદાર યાદીમાં છે જ્યારે ચાંદખેડા વોર્ડની મતદાર યાદીમાં પણ નામો નોંધાયેલા છે! હવે આગામી 3 ઓક્ટોબરે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 11 અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદખેડા વોર્ડની પેટાચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ત્યારે આ મતદારો મતદાન કરવા ક્યાં જાય? તે મોટો પ્રશ્ન છે. ગત ફેબ્રુઆરી 2021ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ ત્યારે આ સોસાયટીના મતદારોએ મતદાન કર્યું હતું અને હવે તેઓનું નામ મતદાર તરીકે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં પણ બોલી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે એક વર્ષ પહેલા અમદાવાદ શહેરની હદ વિસ્તારવાનું નક્કી કર્યું હતું. સાથે ગાંધીનગર મ્યુનિસિપિલ કોર્પોરેશનનો વિસ્તાર પણ વધારવાનું નક્કી કર્યું હતું. AMCની સ્ટેન્ડિંગ કમિટીએ અમદાવાદ શહેરની હદ અને એસપી રિંગ રોડની અંદર આવતાં ગામોના સરવે નંબરોની સાથે બોપલ-ઘુમા નગરપાલિકા, કઠવાડા ગ્રામ પંચાયત, નાના ચિલોડા (સિટિ) ગ્રામ પંચાયત, ખોરજ, ઝુંડાલ, સુઘડ સહિતના 10 ગામને અમદાવાદમાં ભેળવવાની દરખાસ્ત કરી હતી. જેમાં અમદાવાદ શહેરની હદમાં બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તાર, કઠવાડા અને નાના ચિલોડા ગ્રામ પંચાયત જ્યારે ચાંદખેડાને અડીને આવેલા ઝુંડાલ, મોટેરા, કોટેશ્વર, સુઘડ અને ખોરજને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવી દીધા હતા. રાજ્ય સરકારે અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરની હદનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યું તેના આધારે ફેબ્રુઆરી 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ યોજાઈ ગઈ. AMCની ચૂંટણીમાં ચાંદખેડા વોર્ડની મતદાર યાદીને આધારે આ નાગરિકોએ ચાંદખેડા વોર્ડમાં મતદાન કર્યું હતું. ત્યારબાદ ચાંદખેડા ભાજપના મહિલા કોર્પોરેટરે રાજીનામું આપતાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. સાથે જ રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ચૂંટણી જાહેર કરેલી છે. હવે ચાંદખેડા અને ઝુંડાલની બોર્ડર ઉપર આવેલી સોસાયટીના નાગરિકોને મતદાન કરવા ક્યાં જવું તેનો વિવાદ સામે આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના ચાંદખેડા અને ઝુંડાલની બોર્ડર ઉપર આવેલી ભુલાભાઈ પાર્ક 3, ચંદન પાર્ક સોસાયટી, સારથી બંગ્લોઝ, આસ્થા સ્ક્વેર, આસ્થા 64, પરમેશ્વર બંગલો, સારથી બંગલો, શ્યામ સારથી બંગલો સહિતની આસપાસની સોસાયટીના નાગરિકોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદખેડા વોર્ડની મતદાર યાદીમાં છે, જે પૈકી મોટાભાગનાએ AMCની ચૂંટણીમાં મતદાન કરેલું છે. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નંબર 11ની મતદાર યાદીમાં પણ આ તમામ સોસાયટીના નાગરિકોના નામ છે. આ નાગરિકોએ 3 ઓક્ટોબરે એક સાથે બે સ્થળે મતદાન કરવા કઈ રીતે જવું તેવો વિવાદ થયો છે. સ્થાનિક કોર્પોરેટર રાજશ્રી કેસરી જણાવે છે કે, થોડા મહિના પહેલા AMCની ચૂંટણી યોજાઈ ત્યારે આ સોસાયટીના નાગરિકોએ ચાંદખેડા વોર્ડમાં એટલે કે, અમદાવાદના મતદાર તરીકે વોટ કર્યો હતો. હવે આ સોસાયટીના મતદારોના નામ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં પણ છે. આવી સ્થિતિમાં 3 ઓક્ટોબરે યોજાનારી બે ચૂંટણીમાંથી મતદારોએ વોટ ક્યાં કરવા જવું તે મોટો પ્રશ્ન છે. (file photo)