અમદાવાદઃ રાજ્યમાં પંચાયત સેવાની વિવિધ કેડરની ખાલી પડેલી 16400 જેટલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે. તલાટીની વિવાદાસ્પદ રહેલી ભરતી પ્રક્રિયા નવી સરકારે રદ્દ કરી એલાન કયુ છે. કે, તલાટીની નવી ભરતી જલ્દીથી કરવામાં આવશે. અગાઉની ભરતી માટે જે ઉમેદવારોએ ફી ભરી છે તેમને 7મી ઓકટોબર સુધીમાં ફી પરત કરવામાં આવશે. આ રકમ જિલ્લા પંચાયત પાછી આપશે. નવી ભરતી પ્રક્રિયાની ટૂંકસમયમાં જાહેરાત કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે 2018ના વર્ષમાં પંચાયતના તલાટી મંત્રી અને જૂનિયર કલાર્કની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી હતી પરંતુ તેની પરીક્ષા લેવાઇ શકી ન હતી. હવે સરકારે તે વખતની જિલા પસંદગી સમિતિ વિખેરી પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા નવેસરથી ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યેા છે. જે તે સમયે એક ઉમેદવાર એકથી વધુ જિલ્લામાં અરજી કરી શકે તેવી છૂટ હોવાથી બન્ને સંવર્ગની 35 લાખ જેટલી અરજીઓ આવી હતી. આ પ્રક્રિયામાં જનરલ ઉમેદવારો માટે પરીક્ષા દીઠ 100 પિયાની ફી ઉઘરાવવામાં આવી હતી.
પંચાયત વિભાગના અધિક સચિવ જયદીપ દ્વિવેદીએ જે આદેશ કર્યેા છે તેમાં જણાવાયું છે કે જૂનિયર કલાર્ક અને ગ્રામ પંચાયતના મંત્રી (વર્ગ–૩) સંવર્ગની તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સિમિતિની સીધી ભરતીની જાહેરાત રદ્દ કરવામાં આવે છે. આ ભરતી માટે ભરવામાં આવેલી ઉમેદવારોની ફી તમામને પરત કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીઓએ આ ફી પાછી આપવાની કામગીરી 7મી ઓકટોબર સુધીમાં કરવાની રહેશે. જિલ્લા વિકાસ અધિકારીઓએ જનરલ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી પાછી આપવા સ્થળ અને સમય દર્શાવતો કાર્યક્રમ જિલ્લા પંચાયતની વેબસાઇટ અને નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાનો રહેશે. સબંધિત ઉમેદવારોને પરીક્ષા ફીના 100 રૂપિયા રોકડ કે ચેકથી આપવાના રહેશે. પંચાયત વિભાગમાં વિવિધ સેવાઓની હાલ 16400 જેટલી જગ્યઓ ખાલી પડી છે