મુંબઇ ક્રૂઝ રેવ પાર્ટી: પુરાવા મળ્યા બાદ NCBએ શાહરૂખના પુત્ર આર્યન સહિતની 8ની અટકાયત
મુંબઇ: મુંબઇમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ફિલ્મી સ્ટાઇલમાં ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા જેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડીજી એસ એન પ્રધાને કહ્યું હતું કે, અમે પેસેન્જર બનીને જ ક્રૂઝમાં છુપાઇ શક્યા હતા. આખી ટીમને શંકાના દાયરાથી દૂર રાખવાની હતી અને રીસ્કને પણ ઓછું કરવાનું હતું અને તેથી જ પેસેન્જર બનીને ક્રૂઝની અંદર દાખલ થયા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લાંબા સમયથી ગુપ્તચર અહેવાલો મળી રહ્યા હતા અને જ્યારે આખરે પુષ્ટિ થઇ કે કાર્યવાહી કરી શકાય તેમ છે, ત્યારે અમે આ પગલું ભર્યું. દરોડામાં 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. રેડમાં ઘણા પ્રકારના ડ્રગ્સ મળ્યા હતા.
જ્યારે શાહરૂખના પુત્ર આર્યનને પ્રશ્ન પૂછાયો ત્યારે તેણે કહ્યું કે, તે કોઇપણ વ્યક્તિના નામ વિશે ટિપ્પણી કરી શકે નહીં. પરંતુ કેટલાક બોલિવૂડ કનેક્શન પણ મળ્યા છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. સાંઠગાંઠ ધરાવતા દરેક સામે કાર્યવાહી કરાશે.
વધુમાં ડીજી એસએન પ્રધાને કહ્યું કે, જ્યારે 1800 લોકોમાંથી 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસપણે પ્રથમ દ્રષ્ટિએ કેટલાક પુરાવા પ્રાપ્ત થયા છે. પ્રાથમિક પુરાવના આધારે તમામની અટકાયત કરવામાં આવી છે. ટૂંક સમયમાં કેટલાક વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.