દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ રસાયણો અને ખાતર મંત્રાલયના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની આઇકોનિક સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. આઇકોનિક સપ્તાહ ઉજવણીના ભાગરૂપે, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER), SAS નગર, પંજાબ વ્યાખ્યાન શ્રેણી, સેમિનાર અને પ્રદર્શનો સહિત એક સપ્તાહ લાંબી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.
આઇકોનિક સપ્તાહનું ઉદ્ઘાટન કરતાં મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ભારતને યોગ્ય રીતે વિશ્વની ફાર્મસી કહેવામાં આવે છે. ભારત જેનરિક દવાઓનો સૌથી મોટો ઉત્પાદક છે. ભારત વિશ્વના ઘણા દેશોમાં જેનરિક દવાઓની નિકાસ પણ કરી રહ્યું છે. NIPER એ ભારતમાં ફાર્મા ઉદ્યોગોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમનો અભ્યાસક્રમ અને સંશોધન ઉદ્યોગોની જરૂરિયાત સાથે જોડાયેલા હોવા જોઈએ અને તેમણે MSMEs ને નવીન ઉકેલો પૂરા પાડવા જોઈએ. NIPERs એ દેશમાં શરૂ થઈ રહેલા મેડિકલ ડિવાઈસ પાર્ક સાથે પણ સહયોગ કરવો જોઈએ.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આજે જ્યારે આપણે આપણી આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને NIPERs એ આગામી 25 વર્ષ માટે રોડમેપનો વિચાર કરવો જોઈએ. આજે આપણે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API) માટે આયાત પર નિર્ભર છીએ. ભારતમાં દવાઓની પેટન્ટ બહુ ઓછી છે. આવનારા 25 વર્ષમાં આ બદલાવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે આ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પ્રયત્ન કરવો જોઈએ.
રેકોર્ડ સમયમાં કોવિડ -19 માટે રસી વિકસિત કરીને ભારતે બતાવ્યું છે કે ભારતમાં બુદ્ધિ અને માનવશક્તિની કોઈ કમી નથી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ રસી સંશોધન માટે 9000 કરોડ રૂપિયા ફાળવીને આપણા વૈજ્ઞાનિકો અને સંશોધકોની ક્ષમતા પર વિશ્વાસ કર્યો. ભારતની અગ્રણી તબીબી સંશોધન સંસ્થા ICMR એ કોવેક્સિનના વિકાસમાં ભાગીદારી કરી છે. આવી જ રીતે, અન્ય સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉદ્યોગો સાથે સહયોગ કરવો જોઈએ, એમ તેમણે ઉમેર્યું.