ડ્રગ્સ પ્રકરણઃ આર્યન ખાનના મોબાઈલ ફોનની ગાંધીનગર એફએસએલમાં થશે તપાસ
મુંબઈઃ નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે કવાયત વેગવંતી બનાવી છે. દરમિયાન ક્રુઝમાંથી ડ્રગ્સના જથ્થા સાથે બોલીવુડમાં કિંગખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાનના દીકરા આર્યન સહિતના આરોપીઓની એનસીબીએ ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં આર્યન ખાને અન્ય આરોપીઓ સાથે કરેલી કેટલીક ચેટ્સ મળી આવ્યું હતું. હવે આ પ્રકરણમાં આર્યનખાનના મોબાઈલ ફોનની ગાંધીનગર એફએસએલમાં તપાસ કરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર એનસીબીએ હવે આર્યનનો મોબાઈલ ફોન ગાંધીનગરની લેબમાં ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. આર્યને ચેટમાં ડ્રગ્સ ખરીદવા માટે પેમેન્ટ મોડ વિશે વાત કરી હતી અને વિવિધ કોડ નામનો ઉપયોગ કર્યો હતો. ફોરેન્સિક તપાસ માટે જાણીતી ગાંધીનીગરની ફોરેન્સિક લેબોરેટરીમાં આર્યન સહિત અન્ય આરોપીઓના ફોન મોકલવામાં આવ્યા છે. NCB દ્વારા મુંબઈની કોર્ટમાં કરેલી રજૂઆત દરમિયાન વોટ્સએપ ચેટ્સ દ્વારા કેટલી મહત્વના પુરાવા મળવાની વાત કરી હતી. આ રેકોર્ડ્સની તપાસ કરીને ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કેટલા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવતું હતું તેને લગતી વિવિધ માહિતી સામે આવી શકે છે. ફોરેન્સિક લેબમાં ફોનમાંથી મહત્વના કેસને લગતા રેકોર્ડ્સ એકઠા કરવામાં આવશે. આ રેકોર્ડના આધારે કેસની તપાસમાં વધુ મદદ મળી શકે છે.