ગુજરાતઃ દિવાળી બાદ સ્કલોમાં ધો-1થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની સરકારની વિચારણા
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં માર્ગો ઉપર પડેલા ખાડા, નવરાત્રીની ઉજવણીમાં છૂટછાટ અને ધો-1થી 5ની ફરીથી સ્કૂલ શરૂ કરવા સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. દિવાળી બાદ રાજ્યમાં ધો-1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ થવાની છે. એટલું જ નહીં નવરાત્રિ બાદ સ્કૂલોમાં યોજાનારી પરીક્ષા પણ કેટલીક સ્કૂલો દ્વારા ઓફલાઈન લેવામાં આવે તેવી શકયતા છે.
કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સીએમની અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી હતી. ભારે વરસાદ બાદ બિસ્માર બનેલા રાજમાર્ગોને વહેલીતકે ઝડપથી રિપેર કરવા અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે આપવામાં આવેલી છૂટછાટ બાદ રાજ્યમાં ફરી કોરોનાનું સંક્રમણ વકરે નહીં તેની તકેદારી રાખવા અંગે પણ ચર્ચા થઈ હતી.
રાજકોટ સહિત રાજ્યની આઠ મહાપાલિકાઓ હાલ રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં છે. જેની મુદ્ત 10મી ઓક્ટોબરે પૂર્ણ થઇ રહી છે ત્યારે રાત્રી કરફ્યુની સમય મર્યાદા વધારવી કે તહેવારોને ધ્યાનમાં રાખી કરફ્યુમાં છૂટછાટ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા ધોરણ 1 થી 5ના વર્ગો પણ ઓફલાઇન શરૂ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આ મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. દિવાળી બાદ ધો.1 થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે તેવી પણ સંભાવના જણાય રહી છે.