1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર પોલીસને હવે વેક્સિન લીધાના પુરાવા પણ બતાવવા પડશે
અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર પોલીસને હવે વેક્સિન લીધાના પુરાવા પણ બતાવવા પડશે

અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર પોલીસને હવે વેક્સિન લીધાના પુરાવા પણ બતાવવા પડશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં સરકાર દ્વારા કોરોના રસીકરણ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દરેક વાર્ડમાં વેક્સિનેશન ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. મફતમાં વેક્સિનેશન હોવા થતાં ઘણા લોકો વેક્સિન લેતા નથી અને બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટસમાં પણ ‘નો વેક્સિન ‘નો એન્ટ્રી, અમલ શરૂ કર્યો છે. નવરાત્રિની ઉજવણી તથા શેરી ગરબામાં 400 લોકોને ગરબા રમવાની મંજુરી આપી છે. પરંતુ વેક્સિન લીધી હશે તે જ ગરબા રમી શકશે.  હવે શહેરમાં ટ્રાફિક જંક્શન ખાતે પણ વાહન ચાલકોએ પોલીસને વેક્સિનના પુરાવા બતાવવા પડશે. જેમની પાસે નહીં હોય તેમને તરત જ નજીકના વેક્સિન સેન્ટર ખાતે લઈ જઈને રસી અપાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી ચાલી રહી છે. તેની સાથે અમદાવાદમાં પણ રસી લેવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારોની સિઝન હોવાથી સરકારે રસી ફરજિયાત કરી છે. તે ઉપરાંત સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, બાગ બગીચા અને સિટી બસોમાં જનારા લોકોએ પોતે વેક્સિન લીધી છે તેવો પુરાવો સાથે રાખવો પડશે. નહીં તો તેમને પ્રવેશ મળશે નહીં. શહેરમાં હવે બાકી રહેલા લોકો વેક્સિન લઈ લે તે માટે AMC અને પોલીસ વિભાગે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે. આગામી બે જ દિવસમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોના વેક્સિનેશનના પુરાવા ચેક કરવામાં આવશે.

અમદાવાદ શહેરના નાગરિકોને કોવિડ-19 રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 66,84,515 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. જેમા 44,79,779 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 22,04,736 લોકોએ બંને ડોઝ લીધા છે. એટલે કે શહેરમાં કોવિડ-19 વેક્સિનેશનનો પ્રથમ ડોઝ 97 ટકા નાગરિકોને અને બીજો ડોઝ 49 ટકા નાગરિકોને આપવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કેમ્પથી લઈ ઘરે ઘરે વેક્સિન આપવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં રહેતા 50 વર્ષથી ઉપરના લોકો અને 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ઘરે જઈ વેક્સિન આપશે. જેના માટે તેઓએ જાહેર કરેલા નંબર 6357094244, 6357094227 પર ફોન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સવારે 9થી રાતે 9 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર ઓનલાઇન લિંક દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી આ સેવાનો લાભ લઈ શકશે. (file-photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code