દિલ્લી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક દાયકા કરતા વધારે સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, પાકિસ્તાનના આતંકવાદીઓનો મુંબઈ શહેર પર હૂમલો અને તે બાદ શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર હૂમલો થયા બાદ તો જાણે પથારી ફરી ગઈ હોય તેવી હાલત થઈ છે. આવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ દ્વારા એવું બોલી દેવામાં આવ્યું કે પાકિસ્તાનના લોકોના હોશ ઉડાવી દે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમિઝ રાજાએ એક વધુ નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે પીસીબીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ફંડિંગ કરતા આત્મનિર્ભર થવાની જરૂર વધુ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ પચાસ ટકા આઈસીસીના ફંડિંગથી જ ચાલે છે. જ્યારે આઈસીસીને 90 ટકા ફંડિંગ ભારતથી આવે છે. મને ડર છે કે જો ભારત આઈસીસીને ફંડિંગ કરવાનું બંધ કરી દેશે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સંપૂર્ણ રીતે ખતમ થઈ શકે છે. એટલે કે એક પ્રકારે રમિઝ રાજાએ સ્પષ્ટ કરી દીધુ છે કે ભારત ન હોય તો પાકિસ્તાન રસ્તે આવી જશે.
પીસીબી ચીફે કહ્યું કે પીસીબી આઈસીસીને ઝીરો ટકા ફંડિંગ કરે છે. હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છું. એક રોકાણકારનું એવું પણ કહેવું છે કે જો પાકિસ્તાન આવનારી ટી20 વિશ્વકપ મેચમાં ભારતને હરાવે તો પીસીબી માટે એક બ્લેંક ચેક તૈયાર મળશે. રમિઝ રાજાએ કહ્યું કે જો પીસીબી આર્થિક રીતે મજબૂત હોત તો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો પાકિસ્તાન ટુરને આમ રદ ન કરે.
જો કે ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો પ્રવાસ રદ થવાથી અકળાયેલા પાકિસ્તાને ખુબ શાબ્દિક ઝેર ઓક્યું હતું.
રમિઝ રાજાએ આગળ તે પણ કહ્યું કે જો આપણી ક્રિકેટ ઈકોનોમી મજબૂત હોત તો આપણો ઉપયોગ ન થયો હોત અને ન તો ન્યૂઝીલેન્ડ કે ઈંગ્લેન્ડ જેવી ટીમો આપણી સાથે આવી હરકત કરી શકે. તેમણે કહ્યું કે બેસ્ટ ક્રિકેટ ટીમ બનવું અને બેસ્ટ ક્રિકેટની ઈકોનોમી ઊભી કરવી, બે અલગ અલગ વસ્તુ છે. આ અગાઉ રમિઝ રાજાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં ટી20 વર્લ્ડ કપમાં આપણા નિશાના પર માત્ર ભારત જ હતું પરંતુ હવે અમારા નિશાના પર બીજી બે ટીમ આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પ્રવાસ રદ કરીને સારું નથી કર્યું. અમે તેનો બદલો મેદાન પર લઈશું.