રાજકોટમાં જીતુ વાઘાણીની જન આશીર્વાદ યાત્રા દરમિયાન ટ્રાફિક જામ, વાહનચાલકો બન્યા પરેશાન
રાજકોટઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓ લોક સંપર્ક વધારવા માટે જન આશીર્વાદ યાત્રા કાઢી રહ્યા છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અને શહેરના માધાપર ચોકડીએ તેની જન આશીર્વાદ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આથી રસ્તા પર ભાજપના નેતાઓ અને કાર્યકરોના વાહનોથી લોકો પરેશાન બન્યા હતા. આથી લોકોએ નાછૂટકે BRTS રૂટમાં પોતાના વાહનો ચલાવ્યા હતા. આ માટે પોલીસે જ લોકોને BRTS રૂટ પર વાહનો ચલાવવા કહ્યું હતું.
જન આશીર્વાદ રેલી દરમિયાન પત્રકારોએ રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100ને પાર થઇ ગયો છે તેવો સવાલ કરતા જીતુ વાઘાણીએ જવાબમાં બે હાથ જોડ્યા હતા. પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે મંત્રીના આવા જવાબથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રાજકોટની માધાપર ચોકડીથી જીતુ વાઘાણી ખુલ્લી જીપમાં જન આશીર્વાદ યાત્રામાં નીકળ્યા હતા. ચોકે ચોકે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે આ રસ્તા પર ટ્રાફિકજામ થતા પોલીસે લોકોને પોતાના વાહન BRTS રૂટ પર ચલાવવા જણાવ્યું હતું. મનપાના કમિશનરનો હુકમ છે કે સામાન્ય લોકો પોતાના વાહન BRTS રૂટ પર ચલાવી શકે નહીં. પરંતુ પોલીસે ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને બીઆરટીએસ કોરીડોરમાં વાહન ચલાવવા માટે વિનંતી કરી હતી. માધાપર ચોકડી ખાતે તમામ વાહનોને BRTS રૂટ પર ચલાવવામાં આવ્યા હતા.
જન આશીર્વાદ રેલી પહેલા જીતુ વાઘાણીને મળવા માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. વજુભાઈ વાળા અને જીતુ વાઘાણી વચ્ચે ગુફતેગો થયાના દૃશ્યો જોવા મળ્યા હતા. બંને હળવા મૂડમાં જોવા મળ્યા હતા. વજુભાઈ વાળાને શું જવાબદારી સોંપવામાં આવે તેને લઇને રાજકારણ ગરમાયું છે. અત્યાર સુધીમાં રાજ્યના જેટલા મંત્રીઓ કે નેતાઓ રાજકોટ આવ્યા તેમને વજુભાઈ સાથે મુલાકાત કરી છે. અગાઉ પૂર્વ સીએમ વિજય રૂપાણી સાથે પણ વજુભાઈ વાળા ગુફતેગો કરતા નજરે પડ્યા હતા. જીતુ વાઘાણી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. રાજકોટ શહેર અને જિલ્લાના પ્રશ્નો માટે અધિકારીની નિમણૂક કરાશે. આ અધિકારી માત્ર રાજકોટના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે દેખરેખ રાખશે.
રાજકોટમાં આજે જીતુ વાઘાણીની જન આશીર્વાદ યાત્રા યોજાઇ છે. ત્યારે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઠેર ઠેર તેના બેનરો લગાવવામાં આવ્યા છે. પરંતુ આ બેનરમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ફોટો જ ગાયબ હતો. બેનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સી.આર. પાટીલ, નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનો ફોટો હતો. જ્યારે વિજય રૂપાણીનો ફોટો રાખવામાં આવ્યો નથી.