રાજ્યમાં કોલેજોમાં ભણતા OBC,SC,STના વિદ્યાર્થીને સ્કોલરશીપ ન અપાતા NSUIએ કર્યા ધરણાં
અમદાવાદઃ રાજ્યમાં કોલેજમાં ભણતા OBC,SC અને STના વિદ્યાર્થીઓને દોઢ વર્ષથી વધુ સમયથી સ્કોલરશીપ આપવામાં આવી નથી. સ્કોલરશીપ માટે NSUI દ્વારા આજે ગુજરાત યુનિ.ના ગેટની બહાર ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ધરણાં પ્રદર્શન દરમિયાન જ પોલીસે NSUIના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીના ગેટની બહાર NSUI દ્વારા OBC,SC અને STના વિદ્યાર્થીઓને દોઢ વર્ષથી સ્કોલરશીપ મળી ન હોવાથી આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર વિરોધી નારા પણ લગાવ્યા હતા. પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી સરકાર દ્વારા OBC,SC અને ST સમાજનાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપ આપવામાં આવી નથી. સ્કોલરશીપ બાબતે અનેક વખત રજૂઆત કર્યા છતાં સ્કોલરશીપ આપવામાં આવી નથી અને બીજી તરફ ખાનગી યુનિવર્સિટીમાં પણ ફ્રી શિપ કાર્ડની યોજના લાગુ કરી નથી. જેથી તમામ બાબત પર ધ્યાન લઈને નિર્ણય કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં NSUI દ્વારા રસ્તા પર ઉતરીને આંદોલન કરવામાં આવશે અને શિક્ષણ મંત્રી તથા સમાજ કલ્યાણ વિભાગના મંત્રીનો જાહેરમાં વિરોધ કરવામાં આવશે. દરમિયાન કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલ-કોલેજ ફી વસૂલી રહી છે, પરંતુ સ્કોલરશીપ આપવાની બાબતમાં સરકાર પીછે હઠ કરી રહી છે. જેથી દોઢ વર્ષથી ના મળેલી સ્કોલરશીપ માટે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ આજે આંદોલન કર્યું હતું. આગામી દિવસમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં નહીં આવે તો NSUI દ્વારા આંદોલન ચાલુ જ રાખવામાં આવશે.