અમદાવાદઃ શહેરમાં વધતા જતા વાહનો સાથે અકસ્માતોનું પ્રમાણ પણ વધતું જાય છે. શહેરના મણિનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. અમદાવાદથી નડિયાદ જતી ST બસ નીચે એક્ટિવાચાલક કચડાયો હતો. એક્ટિવા આખું બસની નીચે આવી જતાં લોકોએ ભેગા થઈને એક્ટિવાચાલકને બસની નીચેથી ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. બાદમાં 108 બોલાવીને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.
શહેરના મણિનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. અમદાવાદથી નડિયાદ જતી ST બસ નીચે એક્ટિવાચાલક કચડાયો હતો. અકસ્માતને પગલે જવાહર ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થતાં ઈસનપુર- મણિનગર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને જામ થયેલા ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. અકસ્માત અંગે ટ્રાફિક વિભાગને જાણ કરતાં બસની નીચે ઘૂસેલા એક્ટિવાને બહાર કાઢ્યું હતું અને એસટી બસને ટ્રાફિક-પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી. બસમાં બેઠેલા તમામ મુસાફરો ડરને લીધે નીચે ઊતરીને ચાલવા માંડ્યા હતા. જવાહર ચોક ચાર રસ્તા પરના CCTV કેમેરામાં આ ઘટના કેદ થઈ હોવાની વાતને લઈને ટ્રાફિક વિભાગે તપાસ શરૂ કરી છે.
અકસ્માતના બીજા બનાવમાં કાગડાપીઠમાં અણુવ્રત સર્કલ પાસે લોડિંગ રિક્ષાએ એક્ટિવાને ટક્કર મારતાં પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું અને પતિને ઈજા પહોંચી છે. અમરાઈવાડીમાં રહેતા ભરતભાઈ જાધવભાઈ પ્રજાપતિ અને તેમનાં પત્ની મિતલબહેન એક્ટિવા પર આવી રહ્યા હતા. આ સમયે એક લોડિંગ રિક્ષા પલટી ખાઈ ભરતભાઈના એક્ટિવા સાથે અથડાઈ હતી. એક્ટિવા પલટી ખાઈ જતાં દંપતીને ઈજા પહોંચી હતી. બેભાન થઈ ગયેલાં મિતલબહેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.