સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આરોગ્યમાં કાયમી અંદાજે 500 જેટલા મેલ, ફિમેલ હેલ્થ વર્કરોએ કોરોના દરમિયાન અને હાલમાં રસીકરણને લઇને દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓને મોડા પગાર થતા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તા. 5 સુધીમાં પગાર થાય તેવી માંગ કરી હતી. કર્મીઓના પ્રશ્નોને લઇને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતો હોવાની બુમરાણો ઉઠી હતી.
જિલ્લાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગના મેલ,ફિમેલ હેલ્થ વર્કરોને તા. 12થી લઇને તા. 17 સુધીમાં પગાર પગાર મળતા અનેક મશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ કર્મચારીઓના મોડા પગાર તેમજ અન્ય પ્રશ્નો બાબતે અવારનવાર લેખિત-મૌખિક સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ મનોજભાઈ જે. ભટ્ટ, મુખ્ય કન્વિનર કિશોરભાઈ પરમાર, મહામંત્રી મુનાભાઈ વગેરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆતો પણ કરાઈ છતાં કોઇ ઉકેલ ન આવ્યો હોવાનો સૂર કર્મીઓમાં ઊઠયો હતો. આરોગ્યના કર્મચારીઓના એરિયર્સ બિલો, ટીએ બિલો તેમજ અન્ય બિલો ઘણા સમયથી બાકી છે. સરકાર તરફથી ખાલી રહેલી સુપરવાઇઝરની જગ્યાઓ સિનિયોરીટી લિસ્ટ મુજબ ભરી આપવા સહિતની રજૂઆતો કરી હતી. આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણિકુમાર પ્રસાદે જણાવ્યું કે, આ મહિનામાં પગાર થઇ ગયા છે, શુક્રવારે તમામ તાલુકાના ખાતાઓમાં પગાર જમા થઇ ગયા છે. તેમના ખાતાના બેંકમાંથી મોડું થતું હોય તો તે જુદી વસ્તુ છે. કોવિડ વેક્સિનેશન કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીને રવિવારે, જાહેર રજાના દિવસોમાં રસીકરણ કામગીરીમાં રજા મળે તેવા આદેશની આશા કર્મીઓએ કરી હતી. આ અંગે પણ રજુઆત કરવામાં આવી છે.