એર ઇન્ડિયા બાદ વધુ બે સરકારી કંપનીઓ પ્રાઇવેટ પ્લેયર્સને સોંપાશે, આ કંપનીઓનું થશે ખાનગીકરણ
- એર ઇન્ડિયા બાદ વધુ બે કંપનીઓ ખાનગી પ્લેયર્સના હાથમાં જશે
- નીલાચલ સ્ટીલ અને સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓનું થઇ શકે છે ખાનગીકરણ
- આ સોદો ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થાય તેવી સંભાવના
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીને કારણે એક તરફ અર્થતંત્ર પ્રભાવિત થયું છે ત્યારે બીજી તરફ અનેક સરકારી કંપનીઓની ખોટ સતત વધી રહી છે અને આ કંપનીઓ દેવાના બોજ હેઠળ ડૂબેલી છે. આ કંપનીઓને તારવવા માટે સરકાર સતત તેને પ્રાઇવેટ સેક્ટરને વેચી દેવાનું અભિયાન ચલાવી રહી છે. હવે આ અભિયાન વેગ પકડી રહ્યું છે.
એર ઇન્ડિયાના વેચાણ બાદ હવે ડિસેમ્બર સુધીમાં વધુ બે કંપનીઓ ખાનગી પ્લેયર્સના હાથમાં જાય તેવી સંભાવના પ્રબળ બની છે. સરકારી સૂત્રો અનુસાર નીલાચલ સ્ટીલ અને સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ આ બે કંપનીઓની ડીલ અંતિમ તબક્કામાં છે. આ સોદો ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે.
આ અંગે સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગના સચિવ તુહિન કાંત પાડેએ જણાવ્યું હતું કે, સરકાર જે કંપનીઓનું ખાનગીકરણ ઇચ્છે છે તેમાં શિપિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા અને પવન હંસ કંપની પણ સામેલ છે. સરકાર તે ઉપરાંત શેરબજારમાં LICના બમ્પર લિસ્ટિંગ તેમજ માર્ચના ત્રિમાસિક ગાળામાં BPCL તેમજ BIMLના ખાનગીકરણ પર મદાર રાખી રહી છે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી દેવામાં ડૂબેલી એર ઇન્ડિયા એરલાઇન્સની કમાન હવે તાતા ગ્રૂપ પાસે છે ત્યારે હવે બીજી દેવાદાર સરકારી કંપનીઓના ખાનગીકરણનો રસ્તો આસાન બનશે. તાતા ગ્રૂપે 18000 કરોડ રૂપિયામાં એર ઇન્ડિયાને ખરીદી છે.