કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ શેરબજારમાં રોનક, બંને ઇન્ડેક્સે સર્વોચ્ચ સપાટી નોંધાવી
- કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં રોનક
- બંને ઇન્ડેક્સે સર્વોચ્ચ સપાટી નોંધાવી
- સેન્સેક્સ 60,442ની સપાટીએ પહોંચ્યો
નવી દિલ્હી: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે નબળાઇ સાથે સેન્સેક્સ અને નિફ્ટી શરૂ થયા હતા. જો કે કારોબારના 1 કલાક બાદ શેરબજારમાં રોનક જોવા મળી હતી. નિફ્ટીએ સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. નિફ્ટી 18,032,50 સુધી ઉપલા સ્તરે ઉછળ્યો છે. બીજી તરફ સેન્સેક્સ પણ 60,442.53 ને પાર પહોંચ્યો છે.
આજે સેગમેન્ટની વાત કરીએ તો ઑટો, મેટલ, બેંક અને રિયલ્ટી શેર્સમાં ખરીદી છે. સેન્સેક્સના પ્રમુખ 30 શેર્સમાંથી 24 શેર્સમાં તેજી જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ ખરીદી છે. ટીસીએસ, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, ભારતી એરટેલના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે.
આજના કારોબારમાં એશિયન બજારોમાં મિશ્ર વલણો છે. SGX નિફ્ટીમાં નબળાઈ જોવા મળી રહી છે. નિક્કી 225 અને સ્ટ્રેટ ટાઇમ્સ તેજી સાથે વેપાર કરી રહ્યા છે. શુક્રવારે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં નબળા જોબ ડેટાના કારણે બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. શુક્રવારે ડાઉ જોન્સ લગભગ 9 પોઈન્ટ નબળો પડ્યો અને 34,746 ના સ્તર પર બંધ થયો.
ગત કારોબારી સપ્તાહ પર નજર કરીએ તો ખાસ કરીને શુક્રવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી 17900ની નજીક પહોંચી ગયો જ્યારે સેન્સેક્સ 381 પોઇન્ટ વધીને 60059ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 105 પોઇન્ટના વધારા સાથે 17895ના સ્તર પર ત્યારે બંધ રહ્યો હતો. બીજી તરફ ખાસ કરીને IT અને PSU બેંકના શેર્સમાં જોરદાર તેજી જોવા મળી હતી.