પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવવા મહિલાઓ મેદાનમાં ઉતરી, આંદોલનની ઉચ્ચારી ચીમકી
અમદાવાદઃ ગુજરાતના દરિયામાં માછીમારી કરતા માછીમારોનું પાકિસ્તાની મરિન સિક્યુરિટી એજન્સીઓ દ્વારા અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના અનેકવાર સામે આવે છે. હાલ પણ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના જ 350થી વધારે માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. દરમિયાન આ માછીમારોને મુક્ત કરાવવા માટે હવે મહિલાઓ મેદાને પડી છે. મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવવાની માંગણી સાથે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. તેમજ નહીં છોડાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોના પરિવારની મહિલાઓ મોટી સંખ્યામાં કોડીનાર મામલતદાર કચેરીએ એકઠી થઈ હતી. તેમજ સૂત્રોચ્ચાર કરીને માછીમારોને મુક્ત કરાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે,4-4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ પોતાના ઘરના મોભીઓને છોડવામાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ કોરોના મહામારીને પગલે જેલમાં બંધ માછીમારોનો પરિવારજનો ટેલિફોન કે પત્રવ્યવહાર મારફતે સંપર્ક થઈ શકતો નથી. પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરાવવામાં સરકાર ઉદાસીનતા દાખવી રહી છે. તેથી ટુક સમયમાં માછીમારોને છોડાવવા સરકાર પ્રયત્ન નહિ કરે તો આંદોલન પણ કરવા પડશે તો કરીશ. પાકિસ્તાન જેલમાં પોતાના પરિજનો કેદ હોવાને લઇ અનેક પરિવારો મુશ્કેલીમાં પણ મુકાયા છે. છેલ્લા ઘણા સમયથી અનેકવાર રજુઆત કરવા છતાં માછીમારો ન છુટતા મહિલાઓ માં રોષ સાથે વેદના જોવા મળી હતી.