- બાળકો માટે ખુશીના સમાચાર
- બાળકો માટે કોવેક્સિન રસીને મંજૂરી
- 2 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી
નવી દિલ્હી: દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે હવે કોરોનાની રસી અંગે બાળકો માટે સારા સમાચાર છે. 2 વર્ષથી 18 વર્ષના બાળકો માટે કોરોનાની રસીને મંજૂરી આપી છે. ભારત બાયોટેકની કોવેક્સિનને આ માટે મંજૂરી આપવામાં આવી છે. બાળકોને કોવેક્સિનના બે ડોઝ અપાશે. સરકાર ટૂંક સમયમાં આ માટે માર્ગદર્શિકા પણ જારી કરશે.
બાળકો માટે કોરોના વેક્સિન મેળવવાની પદ્વતિ પુખ્ત વયના લોકો જેવી જ હશે. ઇન્જેક્શન દ્વારા બાળકોને વેક્સિન આપવામાં આવશે અને બે ડોઝ અપાશે. બાળકોને વેક્સિન આપવાનું કામ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. કોરોન સંક્રમણનું વધુ જોખમ ધરાવતા બાળકોને વેક્સિનેશનમાં પ્રાથમિકતા અપાશે.
ICMR અને ભારત બાયોટેકે સંયુક્તપણે કોવેક્સિનનું નિર્માણ કર્યું છે. આ ભારતની પ્રથમ સ્વદેશી વેક્સિન છે અને કોરોના વિરુદ્વ કોવેક્સિન ટ્રાયલ્સમાં 78 ટકા અસરકારક સાબિત થઇ છે.
કોરોનાના ત્રીજા વેવની આશંકા છે તેમજ આ વેવમાં બાળકો વધુ પ્રભાવિત થવાની આશંકા હોવાથી બાળકો માટે રસીની મંજૂરી બાળકોને કોવિડ સામે રક્ષણ આપશે અને તેઓને સુરક્ષિત કરશે.
ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલાએ 21 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, પેડિયાટ્રિક કોવેક્સિનને લગભગ 1,000 વિષયો સાથેનો 2/3 તબક્કો પૂર્ણ કર્યો છે અને ડેટા વિશ્લેષણ ચાલી રહ્યું છે.
રસી સંબંધિત ટ્રાયલ વિશે વાત કરીએ તો સપ્ટેમ્બરના અંતમાં, ભારત બાયોટેકે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ઉપયોગ કરવા માટે કોવિડ વિરોધી રસી કોવેક્સિનનો બીજો -ત્રીજો તબક્કો પૂર્ણ કરી લીધો હતો.